૨૦૧૯ લોકસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ હજુ સુધી પચાવી શકી નથી. : શ્રી જીતુભાઈ વાઘાણી
ગાંધીનગર :
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યસભાની ચૂંટણી બાબતે કોંગ્રેસે ભાજપા પર કરેલા જુઠા આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે,મને એવું લાગે છે કે ૨૦૧૯ લોકસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ હજુ સુધી પચાવી શકી નથી.જાહેર જીવનમાં હાર કે જીતને ખેલદિલીથી સ્વીકારી લેવી જોઈએ તેનાં બદલે હારની હતાશામાં કોંગ્રેસ બંધારણીય સંસ્થાઓ પર જુઠા આક્ષેપો કરી લોકતંત્રના મૂલ્યોનો અનાદર કરી રહી છે.
શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે,ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ ૧૯૫૧ ના સેક્શન ૧૪૭ થી ૧૫૧મુજબ બંને બેઠકોની ચુંટણી અલગ ગણવામાં આવશે. જે આ પ્રકારની પેટા ચૂંટણીઓના કિસ્સામાં અગાઉ પણ કરવામાં આવેલું છે.ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો વખતે પણ આ પ્રકારે ચૂંટણીઓ થયેલી છે જેનાં ૧૯૯૪ અને ૨૦૦૯ના હાઇકોર્ટના ચુકાદાને પણ ટાંકવામાં આવ્યો છે.ચૂંટણીપંચ સ્વાયત સંસ્થા છે જે બંધારણીય જોગવાઈઓને આધીન નિર્ણય લેતી હોય છે પરંતુ કોંગ્રેસને કમળો થયો છે એટલે તેને બધું પીળું જ દેખાય તે સમજી શકાય એમ છે.
શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ૨૦૧૯નાં પરિણામો પછી કોંગ્રેસના નેતાઓ માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય એવું લાગે છે.કોંગ્રેસ હારે એટલે ઈવીએમ પર આક્ષેપો કરે છે.સુપ્રીમકોર્ટ કે ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થાઓ પર દેશની જનતાને અને ભાજપાને પૂર્ણ ભરોસો છે પરંતુ કોંગ્રેસને તો એકમાત્ર ગાંધી પરિવાર સિવાય કોઈ પર ભરોસો નથી.ભૂતકાળમાં પણ અનેક વખત એવું બન્યું છે કે કોંગ્રેસની તરફેણમાં ચુકાદો આવે તો સ્વીકાર્ય પરંતુ જો તેનાં વિરુદ્ધમાં ચુકાદો આવે તો તે સ્વીકારવાને બદલે બંધારણીય સંસ્થાઓ પર મનફાવે તેવા આક્ષેપો કરવા,જુઠાણાઓ ફેલાવવા એ કોંગ્રેસની આદત બની ગઈ છે.
શ્રી વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે,દેશની જનતાના આશીર્વાદથી ફરી એક વખત શ્રી નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ બહુમત સાથે દેશનાં વડાપ્રધાન બન્યા છે.ગુજરાતમાં પણ ૧૯૯૫થી સતત જનતાએ અતુટ ભરોસો રાખી ગુજરાતની સમૃદ્ધિ અને વિકાસ માટે ભાજપને સતાના સુકાન સોંપ્યા છે જયારે કોંગ્રેસના કાળા કરતૂતો, અબજોના ભ્રષ્ટાચાર અને પ્રજાવિરોધી કારનામાઓને લીધે દેશ અને ગુજરાતની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે.દેશમાં વર્ષો સુધી સતા પર રહેલી કોંગ્રેસ હવે સતા વગર તરફડીયા મારે છે અને એટલેજ પોતાની હાર સ્વીકારવાને બદલે ખોટાં આક્ષેપો કરી પ્રજાને ગુમરાહ કરવાનાં કાવતરા કરે છે પરંતુ ગુજરાત અને દેશની જનતા કોંગ્રસના કાળા ચહેરાને ઓળખી ગઈ છે.