ગાંધીનગરગુજરાત

શિક્ષણ વિભાગની ઢીલી નિતી : ગાંધીનગરની 5 ગ્રાન્ટેડ સ્કૂલના 31 શિક્ષકોએ ગેરકાયદે ટયૂશનની હાટડીઓ ખોલી : અંકિત બારોટ

ગાંધીનગર :

રાજયમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ખાનગી ટયુશન ક્લાસીસ નહીં કરવાનો નિયમ છે, તેઓ પાસેથી દર વર્ષે સરકાર દ્વારા લેખિત બાંહેધરી પણ લેવામાં આવે છે. તેમ છતા મોટાભાગની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો બિન્દાસ ટયુશન ક્લાસ ચલાવે છે એટલુ જ નહીં, ઇન્ટરનલ માર્ક્સની લાલચ અને ધમકીઓ આપીને વિદ્યાર્થીઓને પોતાના ટયુશનમાં આકર્ષવામાં પણ આ શિક્ષકો સફળ થાય છે આ બાબતે શિક્ષણને લજવનાર ગાંધીનગરની 5 ગ્રાન્ટેડ શાળાનાં ૩૧ શિક્ષકોની યાદી સાથે લેખિત ફરીયાદ ગાંધીનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર અને એન.એસ.યુ.આઇ. ના પ્રદેશ મહામંત્રી અંકિત બારોટ દ્વારા શિક્ષણાધિકારીને આપવામાં આવી છે જેમાં ટયુશનના સરનામાં પણ લખવામાં આવ્યા છે. જેમાં શિક્ષકનું નામ તે કઇ જગ્યાએ ટયુશન ક્લાસ ચલાવે છે તેનું સરનામું, વિષય અને ધોરણની વિગત તથા તે કઇ ગ્રાન્ટેડ સ્કૂલમાં ફરજ બજાવે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. જેમાં સ્વામીનારાયણ ગુરૂકુણના ૧૨, શેઠ સી.એમ. વિદ્યાલયના ૯ તથા આર.જી. કન્યા શાળાના આચાર્ય સહિત ૮ ટયુશનિયા શિક્ષકોનો સમાવેશ થાય છે.

એક બાજુ શિક્ષણ વિભાગ ટયુશનપ્રથા બંધ કરાવીને શિક્ષણનું સ્તર સુધરે તે માટેના પ્રયત્નો કરવા માટે ચિંતન શિબિર ગોઠવે છે તો બીજીબાજુ ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરાવતા શિક્ષકો ગેરકાયદેસરરીતે ટયૂશનની હાટડીઓ ખોલીને બેઠા છે આવા શિક્ષકો વિરૂધ્ધ કોઇ કાર્યવાહી નહીં કરીને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આ ટયુશન પ્રથાને વેગ આપતી હોય તેમ લાગે છે.

જે અંગે એનએસયુઆઇ દ્વારા ગાંધીનગરમાં લડત ચલાવવાનું નક્કિ કરવામાં આવ્યું છે જેના પ્રથમ પગલારૂપે એનએસયુઆઇના પ્રદેશ મહામંત્રી અંકિત બારોટે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માર્ક્સની લાલચ અને ધમકી આપીને તેમના ટયુશનમાં લઇ જવામાં આવે છે. પોતાના ટયુશનમાં નહીં આવતા વિદ્યાર્થીઓ સામે દ્વેશભાવ રાખીને કેટલાક શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આવા ટ્યુશનિયા શિક્ષકોને લીધે તેની સીધી અસર શાળાના શૈક્ષણિક કાર્ય ઉપર પડી રહી છે. ઉપરાંત પોતાના ટ્યુશનમાં વિદ્યાર્થીઓને ખેંચવા માટે અવનવી તરકીબ શિક્ષકો અજમાવતા હોવાનો આક્ષેપ કોર્પોરેટરે કર્યો હતો. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ટ્યુશન કરતા હોવા છતાં રાજ્ય કે જિલ્લાના શિક્ષણતંત્ર દ્વારા કોઇ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને પરિણામે ટ્યુશનિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x