દુર્ગમાં બસ દુર્ઘટનામાં 14નાં મોત, પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગઈકાલે મોડી રાતે એક બસ મુરમની માટીની ખીણમાં ગરકાવ થતાં મોટી કરુણાંતિકા સર્જાઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકો માર્યા ગયા હતા અને 15થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે. બસ લગભગ 50 મીટર ઊંડી ખીણમાં ગરકાવ થઇ હતી. આ દુર્ઘટના પર વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ મામલે માહિતી આપતાં જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે ઘાયલોની એઈમ્સ તથા એપેક્સ અને અન્ય હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલોએ માહિતી આપી કે આ એક કંપનીના કર્મચારીઓની બસ હતી. તેઓ રાતે કામ ખતમ કરી ઘરે પાછા ફરી રહ્યા હતા તે સમયે દુર્ઘટના સર્જાઈ હતી. બસમાં મુસાફરો વધારે હતા અને ડ્રાયવર લાઈટ વિના જ બસ હંકારી રહ્યો હતો. વધારે સ્પીડ સાથે દોડતી બસ એકાએક મુરમની માટીની ખાણમાં પડી ગઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું કે છત્તીસગઢના દુર્ગમાં થયેલી દુર્ઘટના વિશે જાણીને ઘણું દુઃખ થયું. જે લોકોએ તેમના પરિજનો ગુમાવ્યાં તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી કામના છે. આ મામલે દુર્ગના કલેક્ટર ઋચા પ્રકાશ ચૌધરીએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા.