સરગાસણ ચોકડીએ અટ્રિયા કોમ્પલેક્ષ બન્યું લુખ્ખા તત્ત્વોનો અડ્ડો, બાજુમાં જ પોલીસ ચોકી હોવા છતાં વારંવાર થાય છે ધમાલ
ગાંધીનગર :સરગાસણ ચાર રસ્તા પર ટીપી-9ના કોર્નર પર આવેલા અટ્રીયા કોમ્પ્લેક્સમાં આવેલી ખાણીપીણીની દુકાનો મોડી રાત સુધી રહેતા આ સ્થળ લુખ્ખા તત્વોનો અડ્ડો બની ગયું છે. અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો, આસપાસમાં રહેતા નાગરિકો પરિવાર સાથે ચા- નાસ્તો કરવા આવતા હોય છે તેવામાં કાયમી બેઠક ધરાવનાર લુખ્ખા તત્વોમાં અંદરોઅંદર છાશવારે થતી ધમાલ ને કારણે વાતાવરણ ડહોળાઈ ગયું છે. સર્વિસ રોડ પર આવા તત્વો આંતરિક વિખવાદમાં ટ્રાફિક જામ કરી દે છે જેને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરગાસણ ચાર રસ્તાના કોર્નર પર કન્ટેનર પોલીસ ચોકી મૂકવામાં આવી છે. પરંતુ અહીં બેસતી પોલીસને માત્ર વાહનોના ચેકીંગ માં જ રસ હોય છે. તેમ શોભાના ગાઠીયા સમાન સાબિત થઈ રહી છે. પોલીસ ચોકીની પાછળ કલાકો સુધી ધમાલ ચાલે અને ગાળાગાળી, મારામારીના દ્રશ્યો સર્જાય છતાં પોલીસ કુતુહલવશ જોવા પણ ફરકતી નથી. થોડા દિવસો અગાઉ બે ગેંગ પટ્ટા લઈને સામસામે મારામારી પર ઉતરી ગઈ હતી. પરિણામે અડધો કલાક સુધી સર્વિસ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ગુરૂવારે રાત્રિના સમયે આ જ પ્રકારે બે જૂથના લોકો તેમની કાર રસ્તા પર ખડકી દઈને સામસામે બોલાચાલી પર ઉતરી આવતા રસ્તો રોકી લીધો હતો. પરિણામે 25 થી 30 ગાડીઓ ફસાઈ ગઈ હતી. ગાળાગાળી અને મારામારીના દ્રશ્યો અહીં કાયમી બની ગયા છે. આ વિસ્તારની દુકાનો રાત્રે 2 વાગ્યા સુધી ધમધમે છે. જેમાં પણ 11 વાગ્યા બાદ આવા લુખ્ખા તત્વો સક્રિય બની જાય છે. પાટનગર તરીકે ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે જરૂરી છે. પોલીસ ઘટના સમયે ત્યાં હાજર ન હોય તે માની શકાય પરંતુ આ વિસ્તારની તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા છે. તેના ફૂટેજ મેળવીને ધમાલ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આ સ્થિતિ ડામી શકાય તેમ છે. પરંતુ પોલીસ નિષ્ક્રિય હોવાથી લુખ્ખા તત્વો બેફામ બન્યા છે.