ભૂપેન્દ્ર પટેલ કષ્ટભંજન હનુમાનદાદાના દર્શન કરવા પહોંચ્યા
આજે દેશભરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે બોટાદ સ્થિત સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને પહોંચ્યા છે. આજે હનુમાન જયંતીના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં ભૂપેન્દ્ર પટેલે દાદાની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા. તેમની સાથે ભાજપના કેટલાક નેતાઓ પણ હાજર રહ્યા હતા.આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સંતો દ્વારા 250 કિલોની કેક કાપીને પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો હતો. હનુમાન દાદાને વિવિધ પ્રકારની મીઠાઈનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે. દાદાને 8 કિલોના સોનાના હીરાજડિત સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસજી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી અને ગુરુપુરાણી મહંત વિષ્ણુપ્રકાશદાસ સ્વામીએ મુખ્યમંત્રીને હનુમાનજીની મૂર્તિ ભેટ આપી હતી.