કોંગ્રેસના સસ્પેન્સનો આખરે અંત : રાહુલ ગાંધી રાયબેરલીથી ચૂંટણી મેદાનમાં
રાયબરેલી/નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકાયું ત્યારથી આખા દેશની જે બે બેઠક પર નજર હતી તે અમેઠી અને રાયબરેલીમાં કોગંર્સેમાંથી કોણ ઉમેદવારી નોંધાવશે તે સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં પહોંચતા રાયબરેલી પર રાહુલ ગાંધી લડશે કે પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી મેદાનમાં ઝુકાવશે તેની અટકળો ચાલતી રહી હતી. જોકે, બંને બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે શુક્રવારે રાહુલ ગાંધીએ રાયબરેલી પરથી ઉમેદવારી નોંધાવી છે જ્યારે અમેઠી બેઠક પર કોંગ્રેસે ગાંધી પરિવારના વિશ્વાસુ કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે પ્રિયંકા હાલ ચૂંટણી નહીં લડે તે નિશ્ચિત થઈ ગયું છે.ઉત્તર પ્રદેશમાં અમેઠી અને રાયબરેલી બેઠકો પરંપરાગત રીતે ગાંધી પરિવારનો ગઢ રહી છે. અમેઠી બેઠક પર ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હોવાથી આ વખતે રાહુલ ફરીથી સ્મૃતિ ઈરાનીનો સામનો કરશે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી હતી. જોકે, કોંગ્રેસે રાહુલ ગાંધીને માતા સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
રાહુલ ગાંધીએ શુક્રવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સમય મર્યાદા પૂરી થવાના એક કલાક પહેલાં જ ૨.૦૦ કલાકે રાયબરેલી બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી, પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, રોબર્ટ વાડ્રા હાજર હતા. હવે રાહુલ ગાંધી રાયબરેલીમાં પરિવારનો વારસો સંભાળશે.રાયબરેલીની બેઠક સાથે ગાંધી પરિવારનો સંબંધ ચાર પેઢીનો છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ૧૬ વખત વિજય મેળવ્યો છે. વર્ષ ૧૯૫૭માં ગાંધી પરિવારમાંથી પહેલી વખત ફિરોઝ ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ત્યાર બાદ ઈન્દિરા ગાંધીએ પણ આ જ બેઠક પરથી તેમનો રાજકીય પ્રવાસ શરૂ કર્યો હતો. તેમના પછી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અરુણ નહેરુ અને સોનિયા ગાંધી આ બેઠક પર જીત્યા છે. સોનિયા ગાંધી વર્ષ ૨૦૦૪થી રાયબરેલી બેઠક પર સાંસદ રહ્યા છે.રાયબરેલીમાંથી ઉમેદવારી નોંધાવ્યા પછી રાહુલ ગાંધી પરિવારના સભ્યો સાથે જિલ્લા કોંગ્રેસની ઓફિસે પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. ભારતીય રાજકારણીઓમાં પોતાને સૌથી શ્રેષ્ઠ ચેસ ખેલાડી ગણાવતા રાહુલ ગાંધીએ અમેઠીના બદલે રાયબરેલીમાંથી ચૂંટણી લડવાને તેમની શ્રેષ્ઠ રણનીતિ ગણાવી હતી. દેશમાં સાત તબક્કામાં થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં પાંચમા તબક્કામાં ૨૦ મેના રોજ અમેઠી અને રાયબરેલી બેઠક પર ચૂંટણી યોજાવાની છે ત્યારે શુક્રવારે આ બેઠક પર ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો. કોંગ્રેસે શુક્રવારે સવારે જ અમેઠી અને રાયબરેલી બેઠક પર તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી. અમેઠીમાં ભાજપમાંથી સ્મૃતિ ઈરાની ફરી એક વખત ચૂંટણી મેદાનમાં છે જ્યારે ભાજપે છેલ્લી ઘડી સુધી કોંગ્રેસની જાહેરાતની રાહ જોઈને અંતે ગુરુવારે બીજી વખત દિનેશ પ્રતાપ સિંહને રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. દિનેશ સિંહ ૨૦૧૯માં સોનિયા ગાંધી સામે હારી ગયા હતા.દરમિયાન કોંગ્રેસે રાહુલ ગાંધી ઉપરાંત અમેઠીમાંથી ગાંધી પરિવારના વિશ્વાસુ કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. કિશોરી લાલ શર્માએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં કોંગ્રેસ ઓફિસથી જામો રોડ સુધી રોડ શો કર્યો હતો. લુધિયાણા નિવાસી શર્માએ અમેઠીમાં રાજીવ ગાંધી, સતિષ શર્મા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધીના પ્રતિનિધિ તરીકે કામ કર્યું છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી શા માટે નથી લડયા તે અંગે પહેલી વખત તેમણે કહ્યું કે, બધા જ લોકો ચૂંટણી લડી શકે નહીં. કોઈએ સંચાલન પણ કરવું પડશે.
કિશોરી લાલ શર્માને યોગ્ય પસંદગી ગણાવતા પ્રિયંકાએ કહ્યું કે, તેઓ લાંબા સમયથી અમેઠીનું કામકાજ સંભાળી રહ્યા છે. વધુમાં પ્રિયંકાએ કહ્યું કે, તેમની સાથે અમારા પરિવારને વર્ષો જૂનો સંબંધ છે. મતદારોએ અહીંથી હું જ ઉમેદવાર છું તેમ માનીને મતદાન કરવું જોઈએ. હું અમેઠી અને રાયબરેલી બંને જગ્યાએ ચૂંટણી પ્રચાર કરીશ.