ડી.કે. શિવકુમારે કોંગ્રેસ કાર્યકર્તાને લાફો ઝીંક્યો
લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનો પ્રચાર શાંત થઈ ચૂક્યો છે અને મતદાન 7 મેના રોજ થવાનું છે. આ પહેલા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કોંગ્રેસ કાર્યકર્તાને લાફો મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈને ભાજપે ડી.કે.શિવકુમાર અને કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા છે.જ્યારે ડી.કે. શિવકુમાર કર્ણાટકના હાવેરીમાં ધારવાડથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર વિનોદા અસૂતી માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. ક્લિપની શરૂઆત તેમની કારથી બહાર નિકળવાથી થાય છે અને લોકોનું ટોળું અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા હતા.લોકોએ શિવકુમારને ઘેર્યા અને નારા લગાવવાના શરૂ કર્યા તો કોંગ્રેસના એક કાર્યકર્તા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીની આસપાસ હાથ નાખવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ત્યારે શિવકુમારે કાર્યકર્તાને લાફો ઝીંકી દીધો હતો. વીડિયોમાં દેખાઈ રહેલા કાર્યકર્તાની ઓળખ અલાઉદ્દીન મનિયાર તરીકે થઈ છે.શિવકુમારના લાફો માર્યા બાદ તેમના કાફલાની આસપાસ હાજર પોલીસને મનિયારને એક તરફ ધકેલતા જોઈ શકાય છે, ત્યારબાદ કોંગ્રેસ નેતા ત્યાંથી ચાલ્યા જાય છે. આ ક્લિપને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કર્ણાટક ભાજપે શેર કરી છે.