સિક્કા લેવાનો ઈનકાર ન કરો, ચલણમાં રહેલા સિક્કા માન્ય છે, RBIએ સિક્કાની માન્યતાને લઇને લોકોની શંકાને દૂર કરી : RBI
RBIએ સિક્કાની માન્યતા વિશે શંકા દૂર કરતાં કહ્યું કે, બજારમાં ફરતા સિક્કા કાયદેસર છે અને તે સ્વીકારવા જોઈએ. રિઝર્વ બેન્ક સરકારી ટંકશાળમાં બનેલા સિક્કાને સર્ક્યુલેશનમાં મૂકે છે. લેવડ-દેવડમાં કોઈપણ શંકા વગર સિક્કાનો ઉપયોગ કરવા RBI એ જણાવ્યુ છે.
RBIએ બુધવારે પ્રેસ રિલીઝ બહાર પાડતાં કહ્યું કે, છેલ્લાં થોડા મહિનાથી એવી માહિતી મળી રહી છે કે સિક્કાઓની માન્યતાને લઇને લોકોના મનમાં શંકા છે. આના કારણે કેટલાક વેપારીઓ, દુકાનદારો અને સામાન્ય લોકો સિક્કા લેવામાં આનાકાની કરે છે. આથી RBIએ લોકોને અપીલ કરી છે કે અફવાઓને પ્રોત્સાહન ન આપો અને સિક્કાઓની લેવડ-દેવડમાં સંકોચ ન કરો. અત્યારે 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના વિવિધ આકાર, થીમ અને ડિઝાઇનવાળા સિક્કા ચલણમાં છે. RBIએ બેંકોને પણ કહ્યું કે ગ્રાહકો પાસેથી ઓછા રૂપિયાની ચલણી નોટો અને સિક્કા લેવાનો ઈનકાર ન કરો. રિઝર્વ બેન્કને સતત એવી ફરિયાદો મળી રહી હતી કે બેંક સિક્કા લેવાની ના પાડે છે.