ફેસબૂક હેટ સ્પીચ કેસમાં યુઝર્સના ડેટા આપવા તૈયાર, અફવાઓ ફેલાવનારા લોકોના નામ પણ જાહેર કરશે
પેરિસ :
ફેસબૂક પોતાના પ્લેટફોર્મ પર હેટ સ્પીચ આપીને માહોલ બગાડવાનું કામ કરતાં લોકોના નામ સાર્વજનિક કરવા પહેલી વખત તૈયાર થઈ છે. કંપની ઓનલાઈન અફવાઓ ફેલાવનારા લોકોના નામ પણ જાહેર કરવા રાજી થઈ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો અને ફેસબૂકના સહ-સ્થાપક ઝકરબર્ગ વચ્ચે બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.
ફ્રાન્સના ડિજિટલ એફેર્સ મિનિસ્ટર કેડરિક ઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોઅને ફેસબૂકના સહ-સ્થાપક માર્ક ઝકરબર્ગ વચ્ચેની મીટિંગ બાદ આ નિર્ણય લેવાયો છે. કેડરિકનું કહેવું છે કે આ એક મોટા સમાચાર છે, કેમ કે આનાથી ફ્રાન્સની કાયદો-વ્યવસ્થાને મદદ મળશે. ફ્રાન્સ કોર્ટમાં આતંક અને ધૃણા ફેલાવવાના ઘણા મામલાની સુનવણી ચાલી રહી છે. કોર્ટે જ સોશિયલ મીડિયા કંપની પાસે તેના પ્લેટફોર્મ દ્વારા માહોલ ખરાબ કરવાનું કામ કરતાં લોકોનો ડેટા માંગ્યો હતો.
લૉ ફર્મ લિંકલેટર્સની એડવોકેટ સોનિયા સિસેએ કહ્યું હતું કે રેગ્લુલેશન બાબતમાં આ મોટો અને વિશ્વનો પહેલો નિર્ણય છે. હેટ સ્પીચ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી, પણ આતંકવાદની જેમ આ પણ એક ગંભીર ગુનો છે. હવે અન્ય સોશિયલ મીડિયા કંપનીઓને પણ આ પ્રકારનો ડેટા આપવો પડશે, નહીંતર તેમની સામે કેસ નોંધાશે.
ફ્રાન્સ લાંબા સમયથી સોશિયલ મીડિયા કંપનીઓને રેગ્યુલેટ કરવાની તરફેણ કરતું આવે છે. ત્યાંની સંસદમાં આવા કાયદા અંગે પણ વિચારણા ચાલી રહી છે, જેમાં નિયમોને તોડવા પર સોશિયલ મીડિયા કંપની પર તેની કુલ વૈશ્વિક આવકના 4 ટકા દંડ લગાવવા સહિતની બાબતો સામેલ છે.