એશિયન સાઈકલિંગ સ્પર્ધામાં ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો અથર્વ કુબેરકર.
સુરત :
આવતા વર્ષે માર્ચમાં થનારી એશિયન રોડ સાઇકલિંગ ચેમ્પિયનશિપ માટે ગુજરાતના સુરત શહેરનો અથર્વ કુબેરકર સિલેક્ટ થયો છે. અથર્વ આ અભૂતપૂર્વ સિદ્ધિ સાથે ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો છે. સાંભળીએ અથર્વની સ્ટોરી તેના જ શબ્દોમાં…
‘મિત્રએ મને સાઇકલિંગ કરવા માટે પ્રેરિત કર્યો’
‘મેં દોઢ વર્ષ પહેલાં જ સાઇક્લિંગની શરૂઆત કરી હતી. એ પહેલાં હું ટીમ ગેમ વધારે રમતો હતો. એક દિવસ મારા પપ્પાએ મને કહ્યું કે, ‘જો સ્પોર્ટ્સમાં જ ભવિષ્ય બનાવવું હોય તો વ્યક્તિગત રમતમાં ધ્યાન આપ…! કોલેજમાં મારી સાથે મારો મિત્ર હતો જે પહેલાંથી જ સાઇકલિંગમાં નેશનલ સુધી રમી ચુક્યો હતો. મિત્રએ મને સાઇકલિંગ કરવા માટે પ્રેરિત કર્યો અને ત્યાંથી મારા સાઇકલિંગ કારકિર્દીની શરૂઆત થઈ.’
નેશનલ રમી રહ્યો હતો ત્યારે સાઇકલ પરથી પડતાં 4 ફ્રેક્ચર થયાં હતાં અને આ સિલેક્શન પહેલાં ગુજરાત સાઇકલિંગ કેમ્પ યોજાયો હતો એમાં પણ 2 ફ્રેક્ચર થયાં હતાં. 6 ફ્રેક્ચર હોવા છતાં પણ પેરેન્ટ્સના પ્રોત્સાહન અને મારા વિશ્વાસના લીધે આગળ વધ્યો અને એશિયન રોડ સાઇકલિંગ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ થયો. એશિયનશિપ માટે ક્વોલિફાઈ થનાર પ્રથમ ગુજરાતી બન્યો.’
અથર્વે કહ્યું કે, ‘1લી જુલાઈથી પટિયાલાના એનએસએનઆઈએસ ખાતે 61 દિવસનો કેમ્પ યોજાશે જેના માટે હું જઈ રહ્યો છું. આ પહેલાં હું ચાર સ્ટેટ ચેમ્પિયનશિપ જીતી ચુક્યો છું તેમજ ત્રણ નેશનલ સ્પર્ધામાં પણ ભાગ લઈ ચુક્યો છું. અત્યાર સુધીમાં કોઈપણ નેશનલ સ્પર્ધા જીતી નથી પણ મારા કન્સિસટન્ટ પરફોર્મન્સના કારણે મને આગળની ચેમ્પિયનશિપમાં રમવાની તક મળી છે. આ ચેમ્પિયનશિપમાં ભારતમાંથી કુલ 15 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં મારા એઈઝ ગ્રુપ અંડર-19માં 6 ખેલાડીઓ સિલેક્ટ થયાં છે તેમજ બીજા 9 ખેલાડીઓ અન્ય ગ્રુપ માટે સિલેક્ટ થયાં છે. ગયા વર્ષે જ્યારે ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ રમી રહ્યો હતો ત્યારે ચેઇન સ્લિપ થતાં હું 6 ક્રમ આવ્યો હતો. પણ ભૂતકાળમાં પણ મેં 2 સ્ટેટ ચેમ્પિયન જીતી હતી જેના કારણે મને આ તક મળી હતી.’ મેં આ વર્ષે જ 12મું ધોરણ પાસ કર્યું. સ્ટડી અને સાઇકલિંગ બંનેને મેનેજ કરવું અઘરું હતું કેમ કે, જ્યારે શરૂઆત કરી હતી ત્યારે જ બોર્ડની પરીક્ષા સામે હતી જેના કારણે અભ્યાસની સાથે-સાથે સાઇકલિંગમાં પણ કઈંક કરવાનું પ્રેશર હતું. અમુકવાર એવું બનતું કે એકમાં સારું થાય તો બીજામાં પાછળ રહી જાઉં પણ મેં હાર માની નહી અને બંનેને મેનેજ કરતો રહ્યો. 12માં ધોરણમાં સીબીએસઈ સાયન્સમાં 73 ટકા પરિણામ પણ રહ્યું હતું. રૂટીન ટાઈમમાં 2 કલાકમાં 60 કિલોમીટર સાઈકલિંગ કરુ છું. પણ જ્યારે કોઈ સ્પર્ધા હોય ત્યારે 15 દિવસ પહેલાંથી જ રોજ 5 કલાકમાં 130 કિલોમીટર સાઈકલ ચલાવું છું.’ ‘શુદ્ધ શાકાહારી ભોજન લઉં છું, ફાસ્ટ ફૂડ ઓછું ખાઉં છું’. અથર્વે જણાવ્યું કે, ‘કોઇ સ્પેશિયલ ડાયેટ પ્લાન હોતું નથી પણ જે કેળ, સફરજન, દૂધ, શાક અને બીજી શાકભાજી જેમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળે છે એવી વસ્તુઓ ખાવામાં વાપરું છું. ફાસ્ટ ફૂડ ખૂબ જ ઓછું ખાઉં છું. હું શુદ્ધ શાકાહારી છું. મારું માનવું છે કે, જ્યારે તમે કોઇ લક્ષ્ય ધારી લો છો ત્યારે કોઈપણ પરિસ્થિતિ તમને એ લક્ષ્ય પૂરું કરતા અટકાવી શકે નહીં. જ્યારે પહેલી વાર સ્ટેટ ચેમ્પિયનશિપમાં જિતી ત્યારે જ આ ફીલ્ડમાં શ્રેષ્ઠ બનીશ એ નક્કી કર્યું હતું.’