કેનેડાની સરકારે ભારતની દિગ્ગજ આઈટી કંપનીને રૂ. 82 લાખની પેનલ્ટી ફટકારી
કેનેડાની સરકારે ભારતની ટોચની બીજી આઈટી કંપની ઈન્ફોસિસને ઓછો ટેક્સ ચૂકવવા પર પેનલ્ટી ફટકારી છે. કેનેડાની સરકારે ઈન્ફોસિસ પર 31 ડિસેમ્બર, 2020ના અંતે પૂર્ણ થતા વર્ષ માટે એમ્પ્લોયી હેલ્થ ટેક્સની ચૂકવણી ઓછી કરી હોવાનો આરોપ મૂકતાં 1.34 લાખ કેનેડિયન ડોલર (રૂ, 82 લાખ)ની પેનલ્ટી ચૂકવવા આદેશ કર્યો છે.
રેગ્યુલેટરી ફાઈલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, 2020ના વર્ષ માટે એમ્પ્લોયી હેલ્થ ટેક્સ ઓછો ચૂકવવાના આરોપસર પેનલ્ટી લાદવામાં આવી છે. જેના માટે કંપની પર 134822.38 કેનેડિયન ડોલરની પેનલ્ટી ચૂકવવા આદેશ કર્યો છે. ઈન્ફોસિસે જણાવ્યું હતું કે, તેનાથી કંપનીની નાણાકીય સ્થિતિ કે કંપની પર કોઈ અસર થશે નહીં.ઈન્ફોસિસનો શેર આજે નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ ઈન્ટ્રા ડે ઘટી 1418 થયો હતો. જે અંતે 0.11 ટકા સુધારા સાથે 1424.85 પર બંધ રહ્યો હતો. વિશ્વભરમાં બિઝનેસ અને ક્લાયન્ટ્સ ધરાવતી ઈન્ફોસિસે ગત મહિને ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો રજૂ કર્યા હતા. જેમાં ચોથા ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો 30 ટકા વધી રૂ. 7969 કરોડ નોંધાયો હતો.
કંપનીની આવક 1.2 ટકા વધી હતી. નાણાકીય વર્ષ 2024-25 માટે ઈન્ફોસિસે 1થી 3 ટકાનો રેવેન્યૂ ગ્રોથ રહેવાનો અંદાજ આપ્યો છે. જેની માર્કેટ કેપ 5.91 લાખ કરોડ છે.