અમદાવાદથી મુંબઈ જતાં 160 કિ.મી.ની ઝડપે કાર હંકારી, અકસ્માતમાં 2 ગુજરાતીનાં મોત
આજકાલના એવા ઘણાં યુવાનો છે જેમને ઝડપથી પ્રસિદ્ધ થઈ જવું છે. એના માટે તેઓ ગમે તે હદ વટાવવા તૈયાર રહે છે. સોશિયલ મીડિયાનો આ દોર ઘણાં લોકોને પ્રસિદ્ધી અપાવવાના ચક્કરમાં અનેકવાર મોતના મૂખમાં પણ ધકેલી દે છે. તાજેતરનો મામલો પણ આપણા ગુજરાતનો જ છે. ગુજરાતના બે યુવકો આવી જ પ્રસિદ્ધી મેળવવાની લ્હાયમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
22થી 27 વર્ષની વય વચ્ચેના લગભગ પાંચ યુવાનો અમદાવાદથી મુંબઈ જવા ઉપડ્યાં હતાં. આ લોકો એક કારમાં નીકળ્યા હતા. તેમણે પોતાની આ યાત્રાને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરવાનું નક્કી કર્યું હતું. જોકે આ પાંચેય યુવાઓમાંથી બધા તો જીવતા નથી પરંતુ તેમનો વીડિયો હજુ જીવંત છે.
જેમાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સંભળાય છે. બે યુવકો તેમની ઓડિયન્સને હેલ્લો બોલી શરૂઆત કરે છે. તેમાંથી ઘણાં લોકો લાઈવ સ્ટ્રીમની મજા માણી રહ્યા હતા. આ વીડિયો મોબાઈલની ટોર્ચના અજવાળામાં જ ઉતારવામાં આવી રહ્યો હતો. કેમેરામાં કારમાં હાજર બધા લોકોને દર્શાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન બધામાંથી એક કહે છે કે અરે કારનો સ્પીડોમીટર તો જુઓ… ગાડી આપણી 160 કિ.મી. પ્રતિકલાકની ઝડપે દોડી રહી છે. ડ્રાયવર ઝડપથી એક પછી એક કારને ઓવરટેક કરતો જઈ રહ્યો હતો. બધામાંથી એક યુવક એમ પણ છે કે વધુ એક કારને આ રીતે પાછળ કરીએ. આ દરમિયાન જ અચાનક અકસ્માત સર્જાયો. કોઈ એકનો અવાજ આવ્યો કે અરે જો જે…. એટલામાં તો ધડાકાભેર કારને અકસ્માત નડ્યો અને અંધકાર છવાઈ ગયું.