ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, વર્ષો જૂની અરજીઓનો થશે નિકાલ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે હાઈકોર્ટના ઈતિહાસમાં સૌપ્રથમવાર વર્ષો જૂની પેન્ડીંગ અપીલો(આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા સામેની એકવીટલ અપીલો)ના ઝડપી અને અસરકારક નિકાલ માટે ઉનાળુ વેકેશનના ચાર સપ્તાહ માટે હાઇકોર્ટમાં વધારાની સ્પેશ્યલ કોર્ટોની રચના કરવામાં આવી છે. આ માટે સીંગલ જજ અને ખંડપીઠ મળી કુલ 12 જજોને આ વર્ષો જૂની અપીલોની સુનાવણીની ન્યાયિક કામગીરી સોંપવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના ઇતિહાસમાં સૌપ્રથમવાર સ્પેશ્યલ કોર્ટોની રચના સાથે વર્ષો જૂની પડતર અપીલોના નિકાલની આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 13મેથી 17મે સુધીના ફર્સ્ટ વીક માટે જસ્ટિસ ઈલેશ જે.વોરા અને જસ્ટિસ નિરલ આર.મહેતાની ખંડપીઠ તેમ જ સીંગલ જજમાં જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીને કામગીરી સોંપાઈ છે. તો, તા.20મેથી તા.24મે સુધીના બીજા સપ્તાહ માટે જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઈ અને જસ્ટિસ હસમુખ ડી.સુથારની ખંડપીઠને તેમ જ સીંગલ જજમાં જસ્ટિસ નિશા એમ.ઠાકોરને કામગીરી સોંપાઈ છે.
આ જ પ્રકારે તા. 27 મેથી 31 મે સુધીના ત્રીજા સપ્તાહ માટે જસ્ટિસ અનિરૂધ્ધા પી.માયી અને જસ્ટિસ દિવ્યેશ એ.જોષીની ખંડપીઠને તેમ જ સીંગલ જજમાં જસ્ટિસ એમ.આર.મેંગડેને અપીલોની સુનાવણી સોંપાઇ છે, જયારે 3 જૂનથી તા.7 જૂન સુધીના ચોથા સપ્તાહમાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટ અને જસ્ટિસ જે.સી.દોશીની ખંડપીઠને તેમ જ સીંગલ જજમાં જસ્ટિસ એસ.વી.પિન્ટોને ન્યાયિક કામગીરી સોંપાઈ છે.
આમ, કુલ 12 જજીસને ઉનાળુ વેકેશન દરમ્યાન વર્ષો જૂની પડતર અપીલોના નિકાલની કામગીરી સોંપવામાં આવી છે. અલબત્ત, સ્પેશ્યલ કોર્ટો આ કેસોની સુનાવણી સવારે 9 થી બપોરે 12 વાગ્યા દરમ્યાન હાથ ધરશે. આ તમામ જજીસ નોટીફાઈડ કરાયેલી ક્રિમીનલ અપીલો(એક્વીટલ)ની જ સુનાવણી હાથ ધરશે. સ્પેશ્યલ કોર્ટોમાં અપીલોની સુનાવણી દરમ્યાન 12 થી વધુ સરકારી વકીલની પણ સરકારપક્ષ દ્વારા વિશેષ રીતે ફાળવણી કરવામાં આવી છે, જે સરકારપક્ષનો કેસ કે રજૂઆત અપીલની સુનાવણીના તબક્કે રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં ઉનાળુ વેકેશન દરમ્યાન સિવિલ અને ક્રિમીનલ મેટરોની તાકીદની સુનાવણી હાથ ધરવા માટે બે વેકેશન જજની સવારે 9થી બપોરે 12 દરમ્યાનની કોર્ટ તો હોય છે જ પરંતુ આ સિવાય આ વધારાની સ્પેશ્યલ કોર્ટો માત્ર ક્રિમીનલ અપીલો(એક્વીટલ) નિકાલ માટે જ ઉભી કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટની આ નવી વ્યવસ્થાના કારણે વકીલો-પક્ષકારોને પણ વર્ષો જૂની અપીલોના કેસમાં સત્વરે ન્યાય મળવાની આશા બળવત્તર બની છે.