રાજકોટ અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, 6 સરકારી કર્મચારીઓ નોકરીથી કરાયા સસ્પેન્ડ
ગુજરાતના રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ બાદ કાટમાળ હટાવવા અને મૃતદેહો શોધવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે આ સૌની વચ્ચે એક મોટા અહેવાલ એ છે કે 6 સરકારી કર્મચારીઓને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અત્યાર સુધીની માહિતી મુજબ રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ.
નામ. હોદ્દો
ગૌતમ જોષી. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર
જયદીપ ચૌધરી આસિસ્ટન્ટ ઈજનેર
એમ.આર.સુમા R&Bના નાયબ કાર્યપાલક
પારસ કોઠિયા R&Bના તત્કાલીન મદદનીશ
વી.આર.પટેલ પોલીસ ઈન્સપેક્ટર
એન.આઈ.રાઠોડ પોલીસ ઈન્સપેક્ટરવ
કાલાવડ રોડ પરના મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 32થી વધુ લોકો જીવતા ભુંજાઈ ગયાની કાળજું કંપાવનારી ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસે 6 આરોપીઓ ધવલ ભરતભાઈ ઠકકર, અશોકસિંહ જગદિશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદિશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી અને રાહુલ લલીતભાઈ રાઠોડ ઉપરાંત તપાસમાં ખુલે તેના વિરુધ્ધ આઈપીસીની કલમ 304 (સાપરાધ મનુષ્યવધ), 308 (સાપરાધ મનુષ્યવધની કોશિષ), 337 (બેદરકારીથી ઈજા પહોંચાડવી), 338 (બેદરકારીથી ગંભીર ઈજા પહોંચાડવી) અને 114 (મદદગારી કરવી) હેઠળ ગુનો દાખલ કરી બે આરોપીઓ યુવરાજસિંહ અને નીતીનની ધરપકડ કરી હતી.