અમદાવાદમાં 34 પૈકી 6 ગેમઝોન ફાયર NOC-BU વગર ચાલતા હતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ તથા ફાયર વિભાગની બેદરકારીથી વિવિધ વિસ્તારમાં ચાલતા 34 પૈકી 6 ગેમઝોન ફાયર વિભાગની NOC કે એસ્ટેટ વિભાગ તરફથી આપવામાં આવતી બિલ્ડિંગ યુઝ (BU) પરમીશન વગર ચાલતા હતા. શહેરના આનંદનગર રોડ ઉપરાંત ચાંદલોડીયા તેમજ ઘુમા અને જોધપુર સહિતના વિસ્તારમાં ચાલતા આ ગેમ ઝોન સત્તાવાર મંજૂરી મેળવ્યા વગર ચાલતા હોવાનુ ભ્રષ્ટાચારથી ખદબદતા એસ્ટેટ અને ફાયર વિભાગની તપાસમાં જ બહાર આવવા પામ્યુ છે. વાડ જ ચીભડાં ગળે એવી હાલત મ્યુનિસિપલ કોર્પોરેશનના આ વિભાગોની થવા પામતા હવે આ ગેમઝોનને સીલ કરવાની કાર્યવાહી શરુ કરવા સાથે અનિયમિતતા વધુ હોય એવા ગેમઝોન બંધ કરવા અંગે મ્યુનિ.તંત્ર તરફથી સુચના આપવામાં આવી રહી છે.
રાજકોટ ખાતે ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ચાલતા ગેમઝોનની તપાસ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર તથા એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને કરવામાં આવી હતી.તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગોતામાં આવેલા ફનગ્રેટો ગેમઝોન પાસે બિલ્ડિંગયુઝ પરમીશન જ નથી.નિકોલ વિસ્તારમાં આવેલા ફન કેમ્પસ પાસે ફાયર વિભાગની એન.ઓ.સી.નથી.સાઉથ બોપલમાં આવેલા જોયબોકસ ગેમઝોન પાસે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ યુઝ પરમીશન નથી.
જોધપુરમા ચલાવાતા ગેમીંગ ઝોન પાસે પણ ફાયર વિભાગની એન.ઓ.સી.કે બિલ્ડિંગ યુઝ પરમીશન નથી.ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા જોય એન્ડ જોય ગેમઝોન પાસે પણ ફાયર એન.ઓ.સી.કે બિલ્ડિંગયુઝ પરમીશનનો અભાવ છે.બોપલમાં આવેલા આરોહી રોડ ઉપરના ફનઝોન પાસે ફાયર એન.ઓ.સી.કે બિલ્ડિંગ યુઝ પરમીશન નથી. શહેરના વિવિધ વિસ્તારમાં નોંધાયેલા એવા ગેમઝોન પૈકી ૨૮ ગેમઝોન ઈન્ડોર તથા ૬ આઉટડોર ગેમઝોન છે.શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા સિંધુભવન રોડ ઉપરાંત એસ.જી.હાઈવે સહિતના અન્ય વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જ એસ્ટેટ તેમજ ફાયર વિભાગની બેદરકારીથી હાલમા પણ અનેક ગેમઝોન ધમધમી રહયા છે.રાજકોટ ખાતે બનેલા બનાવ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ હવે પગ તળેની જમીન ખસી જતા હવે ગેમીંગ ઝોનમાં તપાસના નામે નાટક શરુ કરવામાં આવ્યુ છે.
શહેરના વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફાવન મોલમાં એક ગેમઝોનની મંજુરી લઈ ચાર ગેમ ઝોન ચલાવવામા આવતા હોવાનુ બહાર આવવા પામ્યુ છે. એક પણ ગેમઝોન માટે ફાયર વિભાગની એન.ઓ.સી.કે પોલીસની મંજૂરી મેળવવામાં આવી નહિં હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ગેમઝોનની તપાસ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે આલ્ફાવન મોલની પણ તપાસ કરી હતી.તપાસ દરમિયાન એક ગેમઝોનની મંજૂરી લઈ વધુ ત્રણ ગેમઝોન વગર મંજૂરીએ શરુ કરી દીધા હોવાનુ બહાર આવવા પામ્યુ હતુ.આલ્ફાવનના ચાર ગેમ ઝોન માટે એક જ ફાયર એન.ઓ.સી.રજૂ કરીને તંત્રને પણ આડે પાટે ચઢાવવા પ્રયાસ કરાયો હતો.અધિકારીઓએ કડક ભાષામાં પુછપરછ કરતા આલ્ફાવનના સંચાલકો દ્વારા બાકીના ત્રણ ગેમ ઝોન માટે પોલીસ પરમીશન નહિં હોવાનુ સ્વીકાર્યુ હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.મંજૂરી વગર ગેમઝોન ચલાવવા મ્યુનિ. અધિકારીઓ સાથે વહિવટ કરાતો હોવાની પણ આશંકા વ્યકત કરાઈ રહી છે.