શાળાએ સી.એન.જી. વાનમાં જતાં બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે સ્કુલ વાન ચેકિંગ કરવાનો આદેશ
ગાંધીનગર જિલ્લામાં સ્કુલ જતાં બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ સી.એન.જી. ગેસ સિલિન્ડર વાળી વાહનોનું ચેકિંગ આજથી શરૂ કરવામાં આવ્યું છે. ચેકીંગ દરમ્યાન ૧૦ વાહનોને મેમો આપીને ૩૮ હજારથી વધુ રકમના દંડની વસુલાત કરવામાં આવી છે.
રાજકોટમાં બનેલ દુ:ખદ ઘટના બાદ ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ શાળાએ વાન કે અન્ય વાહનમાં જતાં બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ અને આર.ટી.ઓ.ને સ્કુલ વાન ચેકીંગ કરવા માટેની સૂચના આપી છે. જે વાનમાં સીટીની નીચે સી.એન.જી. ગેસ સિલિન્ડર હોય ત્યાં બાળકોને ન બેસાડવા તેમજ ટાંકીની સલામતીની ખાત્રી નિયમિત કરાવવા, ગેસ લિકેજ થાય તો તાત્કાલિક વાહનમાં અગ્નિક્ષામક ઉપકરણ રાખવા અને નિયમિત ઉપકરણોની ચકાસણી કરવા જેવી અનેક બાબતોને પ્રાધાન્ય આપવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રીની સૂચનાથી પોલીસ તંત્ર અને આર.ટી.ઓ. કચેરી દ્વારા આજે ગાંધીનગરના વિવિધ માર્ગો પર સ્કુલ વાન ચેકીંગની શરૂઆત કરી હતી. જે સ્કુલ વાન માર્ગ પર મળી તેનું ચેકિંગ કરીને વાન ચલાવનાર ડ્રાઇવરને જરૂરી સૂચનાઓ આપી હતી. જેમની સી.એન.જી. સુરક્ષાનું પ્રમાણપત્ર પૂર્ણ થયું હોય કે સી.એન.જી. ટાંકી સીટ નીચે હોય તેવી બાબતોની ચકાસણી કરી હતી. જેમાં ૧૦ જેટલી સ્કુલ વાનને મેમો આપીને ૩૮,૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.