ડોનાલ્ડ ટ્રમ્પ 34 આરોપોમાં દોષિત જાહેર, 11 જુલાઈએ કોર્ટ સંભળાવશે સજા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસ પર બે દિવસની સુનાવણી બાદ 12 સભ્યોની જ્યુરીએ તેમને તમામ 34 આરોપોમાં દોષિત ઠેરવ્યા હતા.
અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે વર્તમાન કે પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ગુનાઈત કેસ ચલાવવામાં આવ્યો હોય. ડોનાલ્ડ ટ્રમ્પ સામે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016ની પ્રમુખપદની ચૂંટણી પહેલા મોઢું બંધ રાખવાના બદલામાં પૈસાની ચૂકવણી કરાયાની વાત છુપાવવા અને ટ્રમ્પના પોતાના વ્યવસાયના રેકોર્ડમાં હેરફેર કરવાના કુલ 34 આરોપ હતા. આ તમામ આરોપોમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ટ્રમ્પે દસ્તાવેજો સાથે છેડછાડના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્ટોર્મી ડેનિયલ્સ સાથે સેક્સ માણવાનો પણ ઇનકાર કર્યો છે. હવે જસ્ટિસ જુઆન માર્ચેન 11 જુલાઈએ તેમની સજાની જાહેરાત કરશે. ટ્રમ્પ વિરુદ્ધનો ચુકાદો એવા સમયે સંભળાવવામાં આવશે જ્યારે રિપબ્લિકન પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન 15 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટ્રમ્પના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
ટ્રમ્પે કોર્ટરૂમની બહાર કહ્યું કે અમે કંઈ ખોટું કર્યું નથી. હું એક નિર્દોષ વ્યક્તિ છું. અમે લડીશું. અમે અંત સુધી લડીશું અને જીતીશું. સાચો નિર્ણય દેશની જનતા 5 નવેમ્બરે લેશે. આ શરૂઆતથી જ કઠોર નિર્ણય હતો. આ કેસમાં ટ્રમ્પને વધુમાં વધુ ચાર વર્ષની સજા થઈ શકે છે. પરંતુ જેલમાં ગયા પછી પણ, જો તે જેલમાં રહીને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ન તો પ્રચાર કરતાં રોકી શકાશે કે ન તો તેમના જીતવાની સ્થિતિમાં તેમને રાષ્ટ્રપતિ પદના શપથ લેતાં રોકી શકાશે.
ડોનાલ્ડ ટ્રમ્પે 2006માં સ્ટોર્મી ડેનિયલ્સ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આ બાબતની ખૂબ ચર્ચા થઈ હતી. સ્ટોર્મી આ ઘટનાને સાર્વજનિક કરવાની ધમકી આપી રહી હતી, ત્યારબાદ ટ્રમ્પે તેને ગુપ્ત રીતે પૈસા ચૂકવ્યા હતા. ટ્રમ્પને ડેનિયલ્સને 130,000 અમેરિકન ડૉલરની ચૂકવણીની વાત છુપાવવા માટે બિઝનેસ રેકોર્ડ્સ હેરફેર કરી હતી જેના માટે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.