લંડનની રેસ્ટોરન્ટમાં અંધાધૂંધ ગોળીબાર: 9 વર્ષની ભારતીય બાળકી ગંભીર
લંડનના નોર્થ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં ડ્રાઈવ-બાય શૂટિંગમાં ગોળી વાગવાથી એક 9 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે પોતાની જિદંગી સામે ઝઝૂમી રહી છે. આ બાળકી ભારતના કેરળની છે. તેની ઓળખ એર્નાકુલમના ગોથુરુથની નિવાસી લિસેલ મારિયા તરીકે થઈ છે. આ હુમલો ત્યારે થયો જ્યારે બાળકી પોતાના પરિવાર સાથે ડિનર કરી રહી હતી. ડ્રાઈવ-બાય શૂટિંગ એ ગોળીબારની એવી ઘટના હોય છે જેમાં ગુનેગારો ચાલતી ગાડીમાંથી ફાયરિંગ કરે છે. તેથી તેઓને પકડી ન શકાય.
આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ફાયરિંગની આ ઘટનાને ચોરીની મોટરસાઈકલનો ઉપયોગ કરીને અંજામ આપવામાં આવ્યો છે. અસલી શિકાર બાળકી કે તેના માતા-પિતા નહોતા. પરંતુ રેસ્ટોરન્ટની બહાર બેઠેલા ત્રણ લોકો હતા. તેમની ઉંમર 26, 37 અને 42 વર્ષની છે. તે ત્રણેયને પણ ગોળી વાગી છે પરંતુ તેઓની હાલત સ્થિર છે. લિસેલ જે રેસ્ટોરન્ટની અંદર પોતાના પરિવાર સાથે જમી રહી હતી તે અકસ્માતે તેમની લપેટમાં આવી ગઈ. ડિટેક્ટીવ ચીફ સુપરિન્ટેન્ડેન્ટ જેમ્સ કોનવેએ કહ્યું કે ‘હું જાણું છું કે સ્થાનિક લોકો આ ઘટનાથી ખૂબ જ ચિંતિત છે.
તેમણે કહ્યું કે, અમે આ ચિંતાથી સહમત છીએ અને જવાબદાર લોકોની ઓળખ કરવા અને તેમને પકડવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે ઘાયલ ત્રણ પુરુષો અને બાળકી એકબીજાને કોઈપણ રીતે ઓળખતા નહોતા. અંધાધૂંધ ફાયરિંગનો બાળકી શિકાર બની ગઈ. આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 9:20 વાગ્યે કિંગ્સલેન્ડ હાઈ સ્ટ્રીટ પર બની હતી. તેનાથી સ્થાનિક લોકો આઘાતમાં છે. હુમલામાં ચોરી કરેલી મોટરસાઈકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને રિકવર કરી લેવામાં આવી છે.