વાવોલની સિદ્ધાર્થ મીરેકલ સ્કૂલ, આદર્શ ભોજનાલય તેમજ જંગલ જોય રેસ્ટોરન્ટને સીલ કરાયા
ગાંધીનગર :
રાજકોટ અગ્નિકાંડ પછી નિંદ્રા માંથી બહાર આવીને જાગૃત થયેલ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ તેમજ ફાયર બ્રિગેડ ધ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ શરૂ કરી સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, મોલ સહિતના એકમોમાં સઘન ચેકીંગ શરૂ કરી દેવાયું છે. જે અંતર્ગત આજે ફાયર એન.ઓ.સી. રિન્યુઅલ નહીં કરાવનાર વાવોલ ખાતે ઉવારસદ રોડ પર આવેલી સિદ્ધાર્થ મીરેકલ સ્કૂલ, સેકટર – 21માં આવેલી જંગલ જોય રેસ્ટોરન્ટ તેમજ સેકટર – 16 માં ભોંયરામાં ચાલતાં આદર્શ ભોજનાલયને પણ સીલ મારી દેવામાં આવ્યું છે. બીજી તરફ ગાંધીનગર શહેરી વિસ્તારમાં બિયું પરમિશન વિનાનાં કેટલી સ્કૂલો, કોમર્શિયલ બિલ્ડીંગ આવેલા છે
એજ માહિતી કોર્પોરેશન પાસે ઉપલબ્ધ નથી. જેથી મનપા દ્વારા ગુડા તેમજ ઔડા પાસે પણ વિગતો મેળવવામાં આવી રહી છે. જે બાદ બિયું વિનાનાં એકમોને નોટિસો આપવામાં આવશે. ઘણાં કિસ્સામાં તો ગામતળની જમીનમાં જેતે વખતે ગ્રામ પંચાયત દ્વારા સીધી જ બિયું પરમિશન આપી દેવાઈ છે. કુડાસણની ગામતળની જગ્યામાં ચાલતી એક નામાંકિત સ્કૂલને આજ રીતે જેતે સમયે પંચાયત દ્વારા બિયું પરમિશન આપી દેવાઈ હતી. જેનાં કેમ્પસમાં નામ પુરતું ગ્રાઉંડ હોવા છતાં સ્કૂલ ધમધમી રહી છે. હવે ભૂતકાળમાં બિયું મળ્યું હોવાથી હાલમાં મનપા તંત્ર પણ કાર્યવાહી કરવા અવઢવમાં મુકાઈ ગયું છે.