અમદાવાદ પૂર્વ બેઠકમાં હસમુખ પટેલ બહુમતી સાથે વિજયી બન્યા
અમદાવાદ પૂર્વ બેઠકમાં હસમુખ પટેલ બહુમતી સાથે જીત્યા છે. તેમણે કોંગ્રેસના હિમંતસિંહ પટેલને 458949 મતોથી માત આપી છે. ગુજરાતે ભાજપનો ગઢ જાળવ્યો છે. ભાજપ લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતની 26 બેઠકોમાંથી 25માં બહુમતી સાથે જીત હાંસલ કરવામાં સફળ રહ્યો છે. જેમાં સુરતમાં તો ચૂંટણી લડ્યા વિના જ જીત મેળવી લીધી હતી. અમદાવાદ પૂર્વની આ બેઠક પરથી ભાજપ છેલ્લા 35 વર્ષથી જીતતો રહ્યો છે.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. આ બેઠક વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, દહેગામ તથા ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારને આવરી લે છે. અમદાવાદ પશ્રિમથી એકદમ અલગ પ્રકારની બેઠક એટલે અમદાવાદ પૂર્વ. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા વસે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા હીરાના વેપારીઓનો બહોળો વર્ગ છે. એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી. અહીં તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો આ વિસ્તારમાં રહે છે.
અમદાવાદ પશ્ચિમ બેઠક પર 1989થી ભાજપનો ઉદય થયો. 2009ના વર્ષ પહેલા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ મળીને એક જ બેઠક હતી. બીજી ગાંધીનગરની બેઠક હતી. 1989માં ભાજપમાંથી હરિન પાઠક અમદાવાદની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તેઓ 2009 સુધીમાં કુલ 6 વખત થયેલી ચૂંટણીમાં સતત જીતતા આવ્યા હતા.
2009માં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ લોકસભાની બે બેઠકો થઈ હતી. પશ્ચિમની બેઠક એસસી માટે અનામત છે. આથી 2009ની અમદાવાદ પૂર્વની બેઠક પરથી હરિન પાઠક ચૂંટણી લડીને જીત્યા હતા. એ પહેલા આ બેઠક પરથી કોંગ્રેસે કુલ ચાર વખત ચૂંટણી જીતી હતી, જેમાં હરુભાઈ મહેતા, અહેસાન જાફરી, મગન બારોટ અને ઈન્દુલાલ યાજ્ઞિકનો સમાવેશ થાય છે. આ દરમિયાન 1984માં ભાજપના અશોક ભટ્ટ લોકસભાની ચૂંટણી હારી ગયા હતા, પરંતુ 1989થી લઈને 2014 સુધી ભાજપ આ બેઠક પર ક્યારેય ચૂંટણી હાર્યો નથી.