વિજય રૂપાણી સરકારના મંત્રી મંડળમાં વિસ્તરણ સાથે મોટા ફેરફારની શક્યતા
ગાંધીનગર :
મુખ્યમંત્રી વિજય રૂપાણી ટૂંક સમયમાં તેમના મંત્રીમંડળમાં વિસ્તરણ સાથે ફેરફાર કરે તેવી હવા ભાજપના વર્તુળોમાં પ્રવર્તી રહી છે. અત્યારે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં કુલ ૨૩ સભ્યો છે. જે પૈકી ૧૨ મંત્રી કેબિનેટ કક્ષાના અને ૧૧ મંત્રી રાજ્યકક્ષાના છે.
ભાજપમાં થતી ચર્ચા મુજબ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને તેમની સામેના કેસના સંદર્ભમાં મંત્રીઓમાંથી પડતા મૂકી તેમને પ્રદેશ પ્રમુખ તરીકે પાર્ટીનું સુકાન સોંપાવાની શક્યતા છે, જો આમ થાય તો વર્તમાન ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં સમાવાય કે કેમ તે અંગે બેમત પ્રવર્તે છે, કેમ કે જ્ઞાતિવાર પ્રતિનિધિત્વ પ્રમાણે અત્યારે પાટીદાર મંત્રીઓની સંખ્યા ૩૦ ટકા જેટલી છે. તાજેતરમાં પાર્ટીમાં ભળેલા અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળીમાં લેવાની ચર્ચા છે, પાર્ટીના વિશ્વાસુ એવા કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે દિલીપ ઠાકોરની ઉપસ્થિતિ હોઇ તથા ૧૯૯૫થી આજ સુધી ઠાકોર સમાજના બે મંત્રી બન્યાં ના હોઇ નવા ભળનારાને મંત્રીપદુ આપવું કે કેમ તે અંગે પાર્ટી ખુદ અવઢવમાં છે. આ બાબતમાં અત્યાર સુધી એક માત્ર સી. ડી. પટેલ, ચીમનભાઇની સરકારમાં અપવાદ રહ્યાં છે. જોકે હવે જ્યારે દેશમાં અસરદાર મંત્રી તરીકે પ્રદીપસિંહ જાડેજા ઉપસ્યા છે, ત્યારે એમને કેબિનેટ કક્ષાએ ફુલ ફ્લેજ્ડ બઢતી મળે તેવી પણ શક્યતા વ્યક્ત થઇ રહી છે. બીમારીના કારણે ઓફિસમાં ગેરહાજર રહેતા મહેસૂલ મંત્રી કૌશિક પટેલને પડતા મૂકવાની ચર્ચા છે, પણ પક્ષનું હાઇકમાન્ડ જો ગોવામાં મનોહર પાર્રિકરને છેવટ સુધી ટકાવી રાખતું હોય તો ગુજરાતમાં આવો નિર્ણય ના લે એવી પણ દલીલ આગળ કરાઇ રહી છે. મંત્રીમંડળના ફેરફાર સાથે કેટલાક મોટા બોર્ડ-નિગમોમાં પણ નિમણૂકો થવાની આશા પાર્ટીના નેતાઓ વ્યક્ત કરી રહ્યાં છે.