વિપુલ ચૌધરીને સૌથી મોટો આંચકો, માત્ર બે મહિનામાં રૂ.૯ કરોડ ભરવા આદેશ
મહેસાણા :
મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન પદ દરમિયાન બારોબાર બાવીસ કરોડનું પશુદાણ મહારાષ્ટ્રના પશુધન માટે મોકલી દેવાના વિવાદમાં સપડાયેલા વિપુલ ચૌધરીને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યૂનલે આ પશુદાણની કુલ રકમના ૪૦ ટકા રકમ એટલે કે રૂ. ૯ કરોડ કોઈપણ હિસાબે સંઘમાં જમા કરાવી દેવાનો આદેશ કર્યો છે.
ટ્રિબ્યૂનલના હુકમની વિગતો મુજબ, તેઓ આ રકમ જમા કરાવે તે જ શરતે તેની સામે સહકારી મંડળીના રજિસ્ટ્રાર તથા તપાસ અધિકારીએ આપેલ અહેવાલના અમલની બજવણી સામે ફરમાવેલ કામચલાઉ મનાઇહુક્મ અપીલના આખરી નિકાલ સુધી કાયમ રાખવાનો આદેશ આપ્યો છે.
વિપુલ ચૌધરી મહેસાણા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન હતા ત્યારે તેમણે મહારાષ્ટ્ર રાજય સહકારી દૂધ મહાસંઘને મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તાર માટે ૨૨,૫૦,૨૬,૬૨૮ની રકમનું પશુદાણ કર્યું હતું. આ ખર્ચ સંઘમાં નાંખી દેવાની વિપુલ ચૌધરીની ગણતરી હતી. પરંતુ તેની સાથે અન્ય ડાયરેકટરો સંમંત થયા ન હતા.
ઓડિટરે આ રકમ અંગે કવેરી કાઢી હતી. જેથી સામાવાળા ગ્રૃપના સદસ્યો સહકારી મંડળીઓના રજિસ્ટ્રારમાં ગયા હતા. જેમાં રજિસ્ટ્રારે આ પ્રકરણની તપાસ કરનારા અધિકારીના અહેવાલને ધ્યાનમાં લઇને વિપુલ ચૌધરીને જવાબદાર ઠેરવીને તેમની પાસેથી ૨૨.૫૦ કરોડની રકમ રિકવર કરવાનો હુક્મ કર્યો હતો. આ હુક્મ સામે વિપુલ ચૌધરી ટ્રિબ્યુનલમાં ગયા હતા.
જેમાં ટ્રિબ્યૂનલે અગાઉ કુલ ૨૨.૫૦ કરોડની રકમમાંથી ૧૦ ટકા રકમ ૨,૨૫,૦૨,૬૬૨ રુપિયા મહેસાણા દૂધ સંઘમાં જમા કરાવવાનો હુક્મ કરીને રજિસ્ટ્રારના હુક્મ તથા તપાસ કરનારા અધિકારીના હુક્મ સામે કામચલાઉ મનાઇહુક્મ આપ્યો હતો. આ હુક્મના ભાગરૂપે વિપુલ ચૌધરીએ આ રકમ દૂધ સંઘમાં જમા કરાવી હતી.