મક્કા શરીફથી દુઃખદ સમાચાર, ભીષણ ગરમીથી 550 હજયાત્રીએ ગુમાવ્યાં જીવ, પારો 52 ડિગ્રી
સાઉદી અરબમાં તાજેતરના સમયગાળામાં મક્કા અને મદીના શરીફની હજયાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓ દુનિયાભરમાં એકઠાં થયા છે. આ દરમિયાન ભીષણ ગરમીને કારણે હજયાત્રીઓની હાલત દયનીય થઈ ગઇ છે. માહિતી અનુસાર મક્કા શરીફમાં આ દરમિયાન કુલ 550 જેટલાં હજયાત્રીઓ ભીષણ ગરમીને લીધે જ જીવ ગુમાવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.
સાઉદી અરબમાં હજયાત્રા દરમિયાન જીવ ગુમાવનારા લોકોમાં સૌથી વધુ ઈજિપ્તના 323 લોકો સામેલ છે જ્યારે અન્ય ઘણાં દેશોના હજયાત્રીઓ પણ તેમાં સામેલ છે. આ તમામ યાત્રીઓના મૃત્યુ પાછળ ભીષણ ગરમી અને વધતાં તાપમાનને જવાબદાર ઠેરવાયું છે.
જોર્ડનના પણ 60 લોકોનો ભોગ લેવાયો
અહેવાલ અનુસાર જોર્ડનના ઓછામાં ઓછા 60 લોકો પણ આ ભીષણ ગરમીની લપેટમાં આવતા જીવ ગુમાવી ચૂક્યા છે. આ પહેલા મંગળવારે અમ્માન દ્વારા સત્તાવાર રીતે 41 લોકોનાં મોતની જાણકારી અપાઇ હતી. જોકે લેટેસ્ટ આંકડા પ્રકાણે અનેક દેશો દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલી કુલ મૃત્યુનો આંકડો 577ને વટાવી ગયો હોવાની જાણકારી છે. જ્યારે રાજદ્વારીઓ કહે છે કે મક્કા શરીફના સૌથી મોટા મડદાંઘરમાંથી એક અલ મુઆઈસમમાં કુલ 550 મૃતદેહો પડ્યા હતા.