કેનેડાનો ‘ખાલિસ્તાન પ્રેમ’! આતંકી નિજ્જરને શ્રદ્ધાંજલિ આપવા સંસદમાં બે મિનિટનું મૌન રખાયું
આતંકવાદીઓ પ્રત્યે કેનેડાનો સહાનુભૂતિ ધરાવતો ચહેરો ફરી એકવાર ઉઘાડો પડી ગયો છે. કેનેડાની સંસદે બે મિનિટનું મૌન પાળીને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને શ્રદ્ધાંજલિ આપી હતી. ગયા વર્ષે કેનેડામાં આતંકી નિજ્જરની હત્યા કરાઈ હતી. અગાઉ કેનેડાએ આ જ રીતે એક નાઝી નેતાનું પણ સન્માન કર્યું હતું જેને લઇને ભારે વિવાદ થયો હતો.
કેનેડાની સંસદે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને તેની પ્રથમ વરસીએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. 23 જૂને કનિષ્ક વિમાન દુર્ઘટનાના 40 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે કેનેડાની સંસદે આ શરમજનક કૃત્ય કર્યું હતું. ભારતે હરદીપ સિંહ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.
નિજ્જરને ભારતે આતંકી જાહેર કર્યો છે
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ગયા વર્ષે 18 જૂને ગુરુદ્વારાના પાર્કિંગમાં હુમલાખોરોએ ઠાર માર્યો હતો. હરદીપ સિંહ કેનેડાના વાનકુવર શહેરમાં સ્થિત ગુરુ નાનક શીખ ગુરુદ્વારાનો પ્રમુખ પણ હતા. નિજ્જર ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા ભારતીય મૂળના કેનેડિયન શીખ અલગતાવાદી નેતા હતો. તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તે આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલો હતો.