તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 25 લોકોનાં મોત
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 25 લોકોનાં મોતના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં 60 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાની પણ માહિતી છે. તેમાંથી અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાનો ભય છે. કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. તેમણે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા. આ કેસમાં 49 વર્ષીય (ગેરકાયદે દારૂ વેચનાર) કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી આશરે 200 લિટર ગેરકાયદેસર દારૂ પકડાયો હતો. પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ ‘મિથેન’ ઉમેરાયું હતું.
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક
મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ઘટનાને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટાલિને X પર એક પોસ્ટમાં કહ્યું, ‘કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીનારા લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાતમાં અને દુઃખી છું. આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્યપાલે લોકો જલદી સ્વસ્થ થાય તેવી કામના કરી
તમિલનાડુ રાજભવને રાજ્યપાલ વતી એક પોસ્ટ શેર કરી અને કહ્યું, ‘મને એ જાણીને ખૂબ દુખ થયું છે કે કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઘણા લોકોની હાલત ગંભીર છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું.