આંતરરાષ્ટ્રીય

નાસા મંગળની હવાના નમૂના પણ લાવશે, લાલ ગ્રહ અને પૃથ્વીના વાતાવરણની સરખામણી કરશે

અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) પૃથ્વીના પડોશી ગ્રહ મંગળની હવા પૃથ્વી પર લાવશે. નાસાના વિજ્ઞાાનીઓ સૌર મંડળના લાલ ગ્રહના વાતાવરણ, વાતાવરણમાંના વાયુઓ, હવા, ખડકો,માટી, વગેરેના નમૂનાનું વૈજ્ઞાાનિક પરીક્ષણ કરીને મંગળનો કરોડો વર્ષ પહેલાંનો અને હાલનો સચોટ કુદરતી નકશો તૈયાર કરવા ઇચ્છે છે.

નાસાના વિજ્ઞાાનીઓ તો મંગળના કરોડો વર્ષ પહેલાંના વાતાવરણની સરખામણીએ પૃથ્વીના જન્મના શરૂઆતના તબક્કાના વાતાવરણ સાથે પણ કરવા ઇચ્છે છે.

આ અત્યંત પડકારરૂપ કામગીરી નાસાના માર્સ સેમ્પલ રિટર્ન મિશન અંતર્ગત થશે. નાસા ૨૦૨૩ના અંત સુધીમાં મંગળના ખડકો, માટી અને હવા વગેેરેના નમૂના પૃથ્વી પર લાવશે.

નાસાએ અગાઉ ૧૯૬૯માં તેનું એપોલો-૧૧ અવકાશયાન  ચંદ્ર પર મોકલીને  ચંદ્રમાના ખડકો પૃથ્વી પર લાવીને તેનો ગહન સંશોધનાત્મક અભ્યાસ કર્યો  છે.

નાસાની જેટ પ્રપલ્ઝન લેબોરેટરી(કેલિફોર્નિયા) ના  પ્લેનેટરી સાયન્સના નિષ્ણાત બ્રાન્ડી કેરીયર અને તેની ટીમે એવી માહિતી આપી છે કે  હાલ   નાસાનું પર્સિવરન્સ રોવર સૂર્યમંડળના રાતા ગ્રહ મંગળના જેઝેરો   ઉલ્કાકુંડ નજીક  ફરીને   વિવિધ  પ્રકારના  પ્રયોગો  કરી રહ્યું  છે. આ જ પર્સિવરન્સ રોવરે અત્યારસુધીમાં રાતા ગ્રહના ખડકો,માટી વગેરેના  નમૂના એકઠા કર્યા છે. રોવરે  આવા ૨૪ નમૂનાને ટીટેનિયમ નામની ધાતુની ખાસ પ્રકારની બનાવેલી એર ટાઇટ ટયુબમાં બંધ  કરીને તૈયાર રાખ્યા છે.

અમે લાલ ગ્રહના આ તમામ નમૂનાનું  વૈજ્ઞાાનિક પરીક્ષણ કરીને તેનો હાલનો અને કરોડો વર્ષની કુદરતી ઘટમાળનો સચોટ નકશો બનાવીશું. કરોડો વર્ષ પહેલાં મંગળની ધરતી પર અતિ સુક્ષ્મ જીવનું,જળનું અસ્તિત્વ હતું કે કેમ ? કદાચ પણ હતું તો એવું કયું કુદરતી પરિવર્તન થયું કે તે સુક્ષ્મ જીવનો અને જળનો  નાશ થઇ ગયો ?

નાસાના જ્હોન્સન સ્પેસ સેન્ટર(હ્યુસ્ટન)ના જીઓકેમિસ્ટ(પૃથ્વી સહિત અન્ય ગ્રહોની ધરતી અને  વાતાવરણમાંના રસાયણ સંબંધી અભ્યાસ કરતા વિજ્ઞાાની) જસ્ટિન સાયમને પણ એવી  માહિતી આપી છે કે મંગળની હવાના નમૂનાના સંશોધનાત્મક અભ્યાસ દ્વારા અમને આ લાલ ગ્રહના હાલનાં હવામાન અને આબોહવા વિશે જ નહીં પણ  સમયના પ્રવાહ સાથે તેમાં કેવા કેવા  ફેરફાર થયા તેની સચોટ માહિતી મળશે. ઉપરાંત, કયાં કયાં કુદરતી પરિબળોને કારણે ફેરફાર થયા તે પણ જાણી શકાશે.

સૌથી મહત્વનો મુદ્દો તો એ છે કે મંગળની આબોહવામાં  અને પૃથ્વીની આબોહવામાં કયા તફાવત છે ?

હાલના સંશોધન મુજબ સૂર્ય મંડળના આ લાલ ગ્રહના વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ સૌથી વધુ ૯૫.૩૨ ટકા છે.ત્યારબાદ નાઇટ્રોજન ૨.૭, આર્ગોન ૧.૬, ઓક્સિજન ૦.૧૩ ટકા છે. સાથોસાથ કાર્બનમોનોક્સાઇડ, જળનાં  બિંદુઓ,નીઓન,નાઇટ્રોજન ઓક્સાઇડ, ક્રિપ્ટોન વગેરે વાયુના બહુ થોડા અંશ પણ છે.

પૃથ્વીના વાતાવરણમાં ૭૮.૮૪ ટકા નાઇટ્રોજન, ૨૦.૯૪ ટકા ઓક્સિજન(પ્રાણવાયુ)છે. સાથોસાથ આર્ગોન, કાર્બનડાયોક્સાઇડ,નીઓન, હિલિયમ,હાઇડ્રોજન વગેરે વાયુના અંશ પણ છે.   મંગળ વિશે ગહન સંશોધનાત્મક અભ્યાસ કરનારા ખગોળશાસ્ત્રીઓના કહેવા મુજબ પૃથ્વીના પડોશી ગ્રહના હાલના વાતાવરણની સરખામણીએ કરોડો વર્ષ પહેલાંનું વાતાવરણ અત્યંત ઘટ્ટ હતું. આમ છતાં મંગળનું આવું ઘટ્ટ વાતાવરણ તેના જન્મના તબક્કાથી જ  હતું કે  સમયના પ્રવાહ સાથે તેમાં પરિવર્તન પર થયું છે તે મુદ્દો પણ મહત્વનો છે.નાસાનાં  સૂત્રોએ  મંગળની હવા સહિત ખડકો અને માટીના નમૂના પૃથ્વી પર લાવવાની આ અતિ પડકારરૂપ  યોજના કઇ રીતે પાર  પડશે તેની   ટેકનિકલ માહિતી આપતાં કહ્યું હતું   કે અમારા માર્સ સેમ્પલ રિટર્ન પ્રોજેક્ટમાં યુરોપિયન સ્પેસ એજન્સી(ઇ.એસ.એ.) પણ સાથે  છે.  આમ તો  અમે અમારા માર્સ સેમ્પલ રિટર્ન પ્રોજેક્ટની કામગીરી ૨૦૨૦માં  મંગળ  પર માર્સ પર્સિવરન્સ રોવર  મોકલીને શરૂ કરી દીધી  છે.હાલ માર્સ પર્સિવરન્સ રોવર લાલ ગ્રહના જેઝેરો    ઉલ્કાકુંડ આસપાસના   ખડકો, પથ્થરો, રેતી વગેરેના નમૂના એકઠા કરી  રહ્યું છે.  હવે  ૨૦૨૭માં અમારું માર્સ ઓર્બિટર મંગળની ભ્રમણકક્ષામાં પહોંચીને ત્યાં ગોળ  ગોળ ફરતું રહેશે. ત્યારબાદ  ૨૦૨૮માં અમારું એ સેમ્પલ રિટ્રાઇએવલ લેન્ડર મંગળના જેઝેરો ઉલ્કાકુંડમાં અથવા તેની નજીક ઉતરશે. અમારા  આ લેન્ડર  સાથે  નાનકડું રોકેટ અને ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટર જેવાં બે   નાનાં માર્સ  હેલિકોપ્ટર્સ પણ  હશે. પર્સિવરન્સ રોવર દ્વારા એકઠા ં થયેલા મંગળના ખડકો,પથ્થરો, રેતીના  નમૂના લેન્ડરની મદદથી   ખાસ  પ્રકારની બનાવેલી  ટયુબમાં  ગોઠવવામાં આવશે.  ત્યારબાદ તે નમૂના  માર્સ એસન્ટ   વેહિકલમાં મૂકવામાં આવશે.

માર્સ એસન્ટ વેહિકલ  મંગળની ભ્રમણકક્ષામાં  ઘૂમતા ઓર્બિટર સુધી જઇને મંગળના ખડકોના નમૂના  તેને  આપશે. ત્યારબાદ ઇ.એસ.એ.નું અર્થ રિટર્ન ઓર્બિટર મંગળના તે ખડકો, પથ્થરો, રેતીના નમૂના લઇને  ૨૦૩૩માં  પૃથ્વી પર પાછું આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x