અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટે જામીન આપનાર નીચલી અદાલતનો આદેશ રદ કર્યો
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કથિત મની લોન્ડ્રિંગ કેસમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે. દિલ્હીની નીચલી કોર્ટે 20 જૂને તેમને જામીન આપી મોટી રાહત આપી હતી, જોકે આજે દિલ્હી હાઈકોર્ટે તેમના જામીન પર રોક લગાવી દીધી છે. ન્યાયાધીશ સુધીર કુમાર જૈનની ખંડપીઠે રાઉઝ એવન્યૂ કોર્ટના આદેશને રદ કરી દીધો છે. કોર્ટે સુનાવણીમાં કહ્યું કે, કેજરીવાલને જામીન આપતી વખતે નીચલી અદાલતની વેકેશન બેન્ચે તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, અમે બંને પક્ષોને સાંભળ્યા, પરંતુ નીચલી અદાલતે ઈડીના દસ્તાવેજો અને પીએમએલની કલમ 45ની બેવડી શરતોને ધ્યાને ન લીધા.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, ઈડીના એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ દલીલ કરી કે, નીચલી અદાલતે કહ્યું હતું કે, આટલા બધા દસ્તાવેજો વાંચવા શક્ય નથી. આવી ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય હતી. આના પરથી લાગી રહ્યું છે કે, ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પર ધ્યાન આપ્યું નથી.
રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 20 જૂને આપ્યા હતા જામીન
ઉલ્લેખનીય છે કે દિલ્હીની રાઉઝ એવ્યુ કોર્ટે કેજરીવાલને 20 જૂન ગુરુવારે જામીન આપ્યા હતા જેના વિરોધમાં ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ઈડીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટમાં અમને આ મામલે અમારી દલીલો રજૂ કરવા માટે પર્યાપ્ત સમય જ નહોતો અપાયો. ઈડીએ પીએમએલએની કલમ 45નો હવાલો પણ આપ્યો હતો. ઈડી વતી એએસજી રાજૂએ કહ્યું હતું કે અમારો કેસ મજબૂત છે. આ સાથે તેમણે સિંઘવીની હાજરીનો પણ વિરોધ કર્યો હતો. ઈડીએ કહ્યું હતું કે તપાસ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસ પર અસર થશે કેમ કે આરોપી મુખ્યમંત્રી જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દા પર નિયુક્ત છે. ઉલ્લેખનીય છે કે ઇડીએ દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે ધરપકડ કરી હતી.