ભારે વરસાદથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ-1ની છત તૂટતાં અફરાતફરી
ઉત્તર ભારતમાં ચોમાસાએ દસ્તક આપી છે. ગુરુવારે (27મી જૂન) મોડી રાતથી દિલ્હી-એનસીઆરના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29મી અને 30મી જૂને દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, આજે દિલ્હી અને અન્ય રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડા અને વરસાદની સંભાવના છે.
ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટ પર અકસ્માત સર્જાયો હતો. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત જોરદાર પવન અને ભારે વરસાદના કારણે તૂટી પડી હતી, જેના કારણે કાર કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર લોકોને ઈજા થઈ હતી. લોકોએ તુરંત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને ચારેયને ફસાયેલા વાહનમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા.
નોઈડાની વાત કરીએ તો ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે 29મી અને 30મી જૂને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. 28મી જૂને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી.