શેરબજારે તોડ્યા તમામ રેકોર્ડ, સેન્સેકસ પહેલી વખત 79000ને પાર, નિફ્ટી પણ 24087 ઓલ ટાઇમ હાઈ
ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક તેજી સાથે સતત નવી સર્વોચ્ચ ટોચ બનાવી રહ્યું છે. લોકસભા ચૂંટણીના પરિણામો વખતે નોંધાયેલા મોટા કડાકા બાદ સેન્સેક્સ માત્ર 16 ટ્રેડિંગ સેશનમાં જ 6964.86 પોઈન્ટ ઉછળ્યો છે. જૂન મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે.ચાલુ કેલેન્ડર વર્ષ શેરબજાર માટે બુલિશ રહ્યું છે. 15 જાન્યુઆરીએ 73000થી 74000 થતાં તેને 37 દિવસ લાગ્યા હતા. બાદમાં 74000થી 75000 થવામાં 21 દિવસ, જ્યારે 76000 થવામાં 30 દિવસ થયા હતાં. જ્યારે જૂન માસામં 10 દિવસમાં 77000, 15 દિવસમાં 78000 અને 2 દિવસમાં 79000નું લેવલ ક્રોસ કર્યું હતું. નિફ્ટીએ પણ 24000ના લેવલ ક્રોસ કર્યું છે. આજે 24087.45ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે.
લોકસભા ચૂંટણીના પરિણામો દરમિયાન 4 જૂને રોકાણકારોને મોટુ નુકસાન થયુ હતું. મૂડીમાં લગભગ 30 લાખ કરોડનું ધોવાણ થયુ હતું. પરંતુ ત્યારથી માંડી અત્યારસુધીમાં શેરબજારમાં બુલિશ ટ્રેન્ડના પગલે રોકાણકારોની મૂડી રૂ. 44.01 લાખ કરોડ વધી છે. સેન્સેક્સ પણ લગભગ 7000 પોઈન્ટ વધ્યો છે.
સેન્સેક્સ અને નિફ્ટીની આજની સ્થિતિ
સેન્સેક્સ આજે સુધારા તરફી ખૂલ્યા બાદ 79396.03ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી 23974.70ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 10.50 વાગ્યે 18.10 પોઈન્ટના ઘટાડા સાથે 23850.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 11 સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં અને 19 રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી. બીએસઈ ખાતે 233 શેર્સ અપર સર્કિટ, 156 શેર્સ લોઅર સર્કિટ, જ્યારે 240 શેર્સ વર્ષની ટોચે અને 22 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. અંતે સેન્સેક્સ 568.93 પોઈન્ટ ઉછળી 79243.18 અને નિફ્ટી 175.70 પોઈન્ટ ઉછળી 24044.50 પર બંધ રહ્યો હતો.
નિફ્ટી50માં સામેલ અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ, ડો. રેડ્ડીઝ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સ 4 ટકા સુધી ઉછાળા સાથે ટોપ ગેનર્સમાં સામેલ છે. મારૂતિ સુઝુકી 1.22 ટકા, શ્રીરામ ફાઈનાન્સ 0.97 ટકા, કોલ ઈન્ડિયા 0.96 ટકા, લાર્સન ટ્રુબો 0.94 ટકા અને એચસીએલ ટેક 0.88 ટકા તૂટ્યા છે.