શેરબજાર ઓલટાઈમ હાઈ થયા બાદ તૂટ્યું, સેન્સેક્સ-નિફ્ટી ઘટાડે બંધ
શેરબજારની ચાર દિવસની અવિરત તેજીએ આજે વિરામ લીધો છે. બપોરના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ વધતાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ ઘટાડે બંધ રહ્યા હતા.
નિફ્ટી 50 આજે 24174ની રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ અંતે 33.90 પોઈન્ટ ઘટાડે 2410.60 પર બંધ રહ્યો હતો. મોટાભાગના શેર્સમાં વેચવાલીનું પ્રેશર રહેતાં નિફ્ટી 50ના 26 શેર્સ સુધારા તરફી અને 24 શેર્સ ઘટાડા તરફી બંધ રહ્યા હતા. સેન્સેક્સ પણ 79671.58ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ 210.45 પોઈન્ટ ઘટાડે 79032.73 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકના 20 શેર્સ રેડ ઝોનમાં બંધ આપ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસથી બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેર્સમાં આકર્ષક તેજી બાદ હવે પ્રોફિટ બુકિંગ વધ્યું છે. ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્ક, એચડીએફસી બેન્કમાં 2.61 ટકા સુધીનો ઘટાડો નોંધાતાં બીએસઈ બેન્કેક્સ 1.04 ટકા ઘટાડે બંધ રહ્યો હતો.
મીડકેપ અને સ્મોલકેપમાં રોકાણકારો ઉંચા ભાવે શેર્સ વેચી પ્રોફિટ બુક કરી શકે છે. આજે મીડકેપ ઈન્ડેક્સ 0.41 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.56 ટકા વધ્યો છે. એકંદરે માર્કેટમાં તેજી જોવા મળી હતી. 267 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા. પ્રોફિટ બુકિંગના પ્રેશર વચ્ચે અંતે રોકાણકારોની મૂડી 53 હજાર કરોડ વધી હતી.