ગાંધીનગર

ગુજરાતમાં નવા કાયદા હેઠળ પહેલા જ દિવસે 164 કેસ નોંધવામાં આવ્યા

સમગ્ર દેશમાં સોમવાર (01 જૂલાઈ)થી નવા ત્રણ કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો અમલ શરૂ કરાયો છે. જે અંતર્ગત ગુજરાતમાં પ્રથમ દિવસે 164 ગુના નોંધવામાં આવ્યા હતા.

પ્રથમ ગુનો ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. જો કે પોલીસ અધિકારીઓને નવા કાયદાની કલમનો લઇને ગુનો નોંધવામાં મથામણ કરવી પડી હતી. સોમવારથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023નો અમલ શરૂ કરાયો હતો. રાજ્યમાં આ ત્રણ નવા કાયદાના અનુસંધાનમાં સાંજના પાંચ વાગ્યા સુધી 164 ગુના નોંધાયા હતા. જ્યારે નવા કાયદા મુજબ રાજ્યનો પ્રથમ ગુનો ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકે પહેલી તારીખે રાતના એક વાગ્યે નોંધાયો હતો. જે ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 હેઠળ વાહનચાલક સામે નોંધવામાં આવ્યો હતો.

જો કે નવા કાયદાના અમલના પ્રથમ દિવસે અનેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફને થોડી મથામણ કરવી પડી હતી અને નિષ્ણાંતોની મદદ લઇને ગુનો નોધવાની કામગીરી કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત પોલીસના લૉ એન્ડ ઓર્ડરના ડીઆઇજી દીપક મેઘાણીએ જણાવ્યું કે ઇ-ગુજકોપમાં નવા કાયદાની તમામ કલમોની વિગતો અપલોડ કરવામાં આવી હોવાને કારણે કામગીરી પ્રમાણમાં ખુબ જ સરળ રહી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x