રાષ્ટ્રીય

વરસાદ બન્યો આફત, ભૂસ્ખલન થતાં 70 માર્ગો બંધ, અમરનાથ યાત્રા પણ અટકી

ચોમાસાના ભારે વરસાદથી સમગ્ર દેશમાં ખરાબ હાલત છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો વાદળ આફત બનીને વરસી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ચોમાસું દસ્તક આપવા લાગ્યું છે, જેની સૌથી પહેલી અસર અમરનાથ યાત્રા પર પડી. ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ છે. જમ્મુ પોલીસે એડવાઈઝરી જાહેર કરી છે.ઉત્તરાખંડના ચમોલીમાં આજે બદ્રીનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. હિમાચલ પ્રદેશમાં ગત રાત્રે મનાલી-લેહ હાઈવે પર ફ્લેશ ફ્લડ થયું, જેની ચપેટમાં ઘણા વાહન આવી ગયા. હવામાન વિભાગે 10 જુલાઈ સુધી ત્રણેય રાજ્યોમાં ભારે વરસાદ પડવાનું એલર્ટ જારી કર્યું છે. દરમિયાન લોકોને અપીલ છે કે તેઓ આ ત્રણ રાજ્યોની ટ્રિપ પર ન જાય અને ખરાબ હવામાનથી પોતાનો બચાવ કરે.

ખરાબ હવામાન અને વરસાદની સ્થિતિને જોતાં જમ્મુ કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રીઓ માટે ખાસ એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરી અનુસાર અમરનાથ યાત્રી નેશનલ હાઈવે-44 પર સફર કરતી વખતે બપોરે એક વાગ્યા સુધી જિખૈની ઉધમપુર, 2 વાગ્યા સુધી ચંદ્રકોટ રામબન અને 3 વાગ્યા સુધી બનિહાલને પાર કરી શકે છે. જે બાદ આ વિસ્તારોમાં જવાની પરવાનગી મળશે નહીં. જો કોઈ કારણથી રસ્તો પાર ન કરી શકો તો વાહન જ્યાં હશે ત્યાં રોકી દેવામાં આવશે અને પછી આગલા દિવસે જ આગળ જવાની પરવાનગી મળશે.

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ખરાબ હવામાનથી ખોરવાઈ

રામગંગા, કોકિલા અને બહુલાનું જળસ્તર વધી ચૂક્યું છે. બદ્રીનાથ ગંગોત્રી હાઈવે સહિત સમગ્ર રાજ્યમાં લગભગ 100થી વધુ માર્ગો બ્લોક છે. હવામાન વિભાગે સમગ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ જારી કર્યું છે. જેના કારણે સ્કુલ અને ઓફિસ બંધ કરી દેવાઈ છે. ચારધામ યાત્રાળુઓને જ્યાં છે ત્યાં જ રોકાવાનો આદેશ છે.

હિમાચલમાં મનાલી લેહ હાઈવે બંધ કરવામાં આવ્યો

હિમાચલ પ્રદેશ માટે હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદથી ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનની ઘટનાઓ થઈ રહી છે. ગત રાત્રે લાહોલ-સ્પીતિમાં મનાલી-લેહ હાઈવે પર જિંગજિંગબારમાં પૂર આવ્યું. હાઈવે પર ઊભેલા ટ્રક અને બાઈક કાટમાળની ચપેટમાં આવી ગયા. કમાંડિંગ ઓફિસર મેજર રવિ શંકરે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે પૂર આવવાથી મનાલી-લેહ નેશનલ હાઈવે બંધ કરી દેવાયો છે.

માર્ગો બંધ, ટ્રાન્સફોર્મર ઠપ, વોટર સપ્લાય પણ રોકાયો

શિમલામાં વરસાદનું પાણી ઘરમાં ઘૂસી ગયું છે. રસ્તા પર કાટમાળ, પથ્થર અને વૃક્ષ પડેલા છે. 70થી વધુ માર્ગો બ્લોક છે. 200થી વધુ વિજળીના ટ્રાન્સફોર્મર ઠપ છે. પીવાના પાણીની યોજનાઓ કાંપથી ભરેલી છે. હવામાન વિભાગે 6 જિલ્લા મંડી, શિમલા, સિરમોર, કાંગડા, કુલ્લૂ અને કિન્નોરમાં પૂર આવવાની ચેતવણી આપી છે. લોકોને નદીઓ અને નાળાથી દૂર રહેવાની સલાહ છે. લાહોલ સ્પીતિ સિવાય અન્ય પ્રદેશમાં વાવાઝોડું આવવાની શક્યતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x