સેન્સેક્સ બન્યો રોકેટ, 900 પોઇન્ટના ઉછાળા સાથે ફરી ઓલ ટાઈમ હાઈ
મેઘ મહેરની જેમ શેરબજારના રોકાણકારો પર તેજીની મહેર જોવા મળી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળા સાથે ફરી ઓલટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ 996.17 પોઈન્ટ ઉછળી 80893.51 થયો છે. નિફ્ટી પણ 24500નું લેવલ ક્રોસ કરી 24592.20ની ઐતિહાસિક સપાટી નોંધાવી છે.
એફએમસીજી, મીડકેપ, ટેક્નોલોજી શેર્સમાં ઉછાળાના પગલે સેન્સેક્સ અને નિફ્ટી તેજી તરફ આગેકૂચ કરતાં નજરે ચડ્યા છે. સેન્સેક્સ સવારે ખૂલતાંની સાથે જ 397.35 પોઈન્ટના ઉછળ્યો હતો. રોકાણકારોની મૂડી રૂ. 2.75 લાખ કરોડ વધી છે.
11.10 વાગ્યે સેન્સેક્સ 752.13 પોઈન્ટ ઉછળી 80949.47 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 231.75 પોઈન્ટ ઉછળી 24547.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મીડકેપ સેગમેન્ટમાં બુલિશ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં મીડકેપ નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે.ત્રિમાસિક પરિણામોની સિઝન શરૂ થઈ ચૂકી છે. ગઈકાલે દેશની ટોચની આઈટી કંપની ટીસીએસના જૂન ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા રહ્યા હોવાથી આજે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. ટીસીએસનો શેર આજે 4.20 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. હવે ઈન્ફોસિસના પરિણામ પર નજર રાખતાં આજે ઈન્ફોસિસના વોલ્યૂમ વધ્યા હતા.