ગાંધીનગર

કલેકટરશ્રીએ ગ્રામ પંચાયતની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી : આંગણવાડીની પ્રવૃત્તિ પણ નિહાળી

 માણસા તાલુકાના લોદરા ગામની મુલાકાત જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ લીઘી હતી. તેમણે ગ્રામજનો સાથે સીઘો સંવાદ કરીને તેમના વિવિધ પ્રશ્નોને વાચા આપી હતી. ગ્રામ પંચાયત અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. ગ્રામજનોને સાથે રાખીને ગામમાં વૃક્ષારોપણ કર્યું હતું. ગ્રામજનોની સી.એચ.સી બનાવવાના આગ્રહને હર્ષ સાથે વઘાવી હતી. સી.એચ.સી. બનાવવા માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે, તેવું પણ જણાવ્યું હતું.

 ગાંધીનગર જિલ્લાના માસણસા તાલુકામાં આવેલા લોદરા ગામની કલેકટર શ્રી મેહુલ દવેએ મુલાકાત લીઘી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઇને દફતર ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમ્યાન તેમણે તલાટી અને ઉપસ્થિત ગ્રામજનોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરશ્રીએ ગામના સરપંચ સહિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે ગામના વિવિધ પ્રશ્નોની મુકત મને રજૂઆત કરવાનો ખુલ્લો મંચ આપ્યો હતો. ગ્રામજનો દ્વારા ગામમાં સી.એચ.સી. બનાવવાની માંગણી કલેકટર સમક્ષ કરવામાં આવી હતી. આ વાતથી કલેકટરએ આનંદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, આ અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે આરોગ્ય તંત્રને જાણ કરવામાં આવશે. તેની સાથે ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા ગામના નાના- નાના પ્રશ્નોનો ઉકેલ તેમણે સંબંધિત અધિકારી સાથે વાત કરીને લાવી દીઘો હતો. તેમજ જમીન ક્ષતિ સુધારણા અંગેના પ્રશ્ન સંબંધે કલેકટરશ્રીએ ડીએલઆર સાથે વાત કરી હતી. ગ્રામજનો દ્વારા એસ.ટી. બસના પ્રશ્નની રજૂઆત કરવામાં આવી હતી. તે માટે સંબંધિત અધિકારી સાથે વાત કરીને આ અંગે વિજાપુર એસ.ટી. ડિવિઝનને જાણ કરવાની સૂચના આપી હતી.

 આંગણવાડીની મુલાકાત દરમ્યાન તેમણે આંગણવાડીનું નિરીક્ષણ કર્યું હતું. આંગણવાડીની બેહનો અને બાળકો સાથે વાતચીત કરી હતી. તેની સાથે તેમણે પી.ટી.સી. કોલેજની મુલાકાત લીઘી હતી. તેમણે ગ્રામજનોને બાળકોને મોબાઇલથી થોડાક દૂર રાખીને વાંચન તરફ લઇ જવાની નમ્ર અરજ કરી હતી. કલેકટરશ્રીએ ગામમાં વૃક્ષા રોપણ કર્યું હતું. ગામમાં વૃક્ષા રોપણ કરીને ગામમાં ૨૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર તેમની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

 આ મુલાકાત દરમ્યાન માણસા મામલતદાર શ્રી કે.આર.ચૌઘરી, તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામજનો તેમની સાથે જોડાયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x