Uncategorizedરાષ્ટ્રીય

કુદરતી સંપત્તિના ખજાના નિકોબારમાં 20 લાખ વૃક્ષો કપાશે

ભારત સરકારે જેના મોટે ઉપાડે શ્રીગણેશ કર્યા છે એવો ‘ધે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ વિવાદોમાં સપડાયો છે. પર્યાવરણવાદી કાર્યકર્તાઓ પ્રોજેક્ટના વિરોધમાં મેદાને પડયા છે, તો વિપક્ષને સત્તાધારી પાર્ટી સામે લડવાનું વધુ એક બહાનું મળી ગયું છે. ‘ધ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ એ ભારતના આંદામાન સમુદ્રમાં આવેલા ‘ગ્રેટ નિકોબાર’ ટાપુના દક્ષિણ છેડા પર પ્રાસ્તાવિક મેગા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ગણાય છે.

૭૨,૦૦૦ કરોડ રૂપિયાના આ મેગા પ્રોજેક્ટની સંકલ્પના ભારતના વિકાસ માટે કાર્યરત સરકારી સંસ્થા ‘નીતિ આયોગ’  – નેશનલ ઈન્સ્ટિટયુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા) દ્વારા રજૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ‘આંદામાન અને નિકોબાર ટાપુઓ સંકલિત વિકાસ નિગમ’ (છશૈંૈંઘર્ભં – આંદામાન ઍન્ડ નિકોબાર આઇલેન્ડ્સ ઇન્ટિગ્રેડેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં સંરક્ષણ, લોજિસ્ટિક્સ, વાણિજ્ય અને ઉદ્યોગો, ઇકો-ટૂરિઝમ, કોસ્ટલ ટુરિઝમ, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન જેવા મહત્ત્વપૂર્ણ પાસાં આવરી લેવાયા છે.

આ ટાપુ નજીકથી પસાર થતો દરિયાઈ માર્ગ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીનો એક ગણાય છે, માટે ભારત સરકાર વ્યાપારી હેતુઓ માટે માર્ગ અને ટાપુનો ઉપયોગ કરવા માંગે છે. આ ઉપરાંત લશ્કરી વ્યૂહાત્મક હેતુઓ માટે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.

શું છે વિરોધનું કારણ

ભારતના ‘પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય’ના નિષ્ણાતોની સમિતિએ આ પ્રોજેક્ટને કારણે થનારા પર્યાવરણીય જોખમો અને એ જોખમોને હળવા કરતી વ્યૂહરચનાઓને ધ્યાનમાં લીધા બાદ નવેમ્બર ૨૦૨૨માં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. પ્રોજેક્ટની જાહેરાત થતાં જ પર્યાવરણને જાળવવા માટે કાર્યરત સંસ્થાઓએ વિરોધ કરવા માંડયો હતો. વિરોધના એકથી વધુ કારણો છે, જેમ કે..

પર્યાવરણી : દુષ્પ્રભાવ 

આ મેગા પ્રોજેક્ટ બનાવવા માટે ગ્રેટ નિકોબાર ટાપુ પર ૨૦ લાખથી વધારે વૃક્ષોનો ભોગ લેવાશે. ચાર મોટા પ્રોજેક્ટને બનાવવા ૨૪૪ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ટાપુનો ૧૩૦ ચોરસ કિલોમીટર જેટલો ભાગ વનવિહોણો કરવાની જરૂર પડશે. આજે જ્યારે ધરતીનું તાપમાન સતત વધતું જઈ રહ્યું છે, ઊનાળા પ્રતિ વર્ષ વધુ ને વધુ આકરા થઈ રહ્યા છે ત્યારે અહીં વિકાસના નામે ૨૦ લાખ વૃક્ષોનો કચ્ચરઘાણ કાઢી નાંખવામાં આવે, એ કેટલી હદે બુદ્ધિગમ્ય નિર્ણય છે?

વાત ફક્ત વર્ષાજંગલોના નિકંદનની જ નથી. ૨૦  લાખ વૃક્ષોના જંગલમાં વસતાં લાખો-કરોડો જીવ પોતાનું રહેઠાણ ગુમાવશે. એમાંના ઘણાં પક્ષીઓ, પ્રાણીઓ અને કીટકો તો દુર્લભ કક્ષાના છે. બેઘર થયેલા એ જીવો પૈકી કેટલા અન્યત્ર વસવાટ કરીને અનુકૂલન સાધી શકશે, એ મોટો પ્રશ્ન છે. હજારો પ્રજાતિના લાખો-કરોડો વન્યજીવોનો આ સામૂહિક સંહાર કંઈ જેવું તેવું પર્યાવરણીય નુકસાન નથી. માટે જ પર્યાવરણવાદી કાર્યકર્તાઓ આ પ્રોજેક્ટને ‘ઇકોસાઇડ’ (પ્રાકૃતિક સંપદાનો સામૂહિક નાશ) ગણાવીને એની સામે મેદાને પડયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x