આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

સોનામાં લાલચોળ તેજી : વિશ્વબજારમાં સોનું 1600 ડોલરને આંબી જાય તેવાં એંધાણ

ગાંધીનગર :

આગામી મહિનાઓમાં સોનાના ભાવ ૧૬૦૦ ડોલરના મથાળાને આંબી જાય તેવી ધારણા નિષ્ણાતો રાખી રહ્યા છે. ભૂતકાળમાં પહેલી ઓગસ્ટ ૨૦૧૧ના દિને સોનાનો ભાવ ૧૯૨૧.૧૭ ડોલરના મથાળે ગયો હતો. હવે ફરી આ મથાળા તરફ સોનાએ આગેકૂચ કરી હોવાનું જણાઈ રહ્યું છે. તેથી સોનામાં ઇન્વેસ્ટ કરવા માટે નવી તક નિર્માણ થવાની સંભાવનાઓ વધી રહી છે.

અગાઉની જેમ જ આજે પણ સોનું એક સલામત મૂડીરોકાણ ગણાવા માંડયું છે. એક ટ્રોય ઔંશ એટલે કે ૩૧.૧૦૩૫ ગ્રામ સોનાના ભાવ આજે ૧૫૦૦ ડોલરની સપાટીને આંબી જવા તેજીની ચાલ પકડી છે. શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ્ડ ડિપોઝિટ સહિતના રોકાણ કરીને ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો તૈયાર કરી આપતા પોર્ટફોલિયો મેનેજરોએ પણ હવે સોનામાં રોકાણ કરવાના વિકલ્પને પસંદ કરવાનું શરૂ કરી દીધું છે. તેઓ ગોલ્ડ ઇટીએફની ફાળવણી કરવા માંડયા છે. તેથી સોનામાં લેવાલી કરનારાઓની સંખ્યા વધી રહી છે.

હેજ ફંડના સ્થાપક રે દેલિયોનું કહેવું છે કે આજે વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થામાંથી લોકોનો વિશ્વાસ તૂટવા માંડયો છે. તેથી તેઓ સોનામાં રોકાણ કરવા માંડયા છે. પરિણામે સોનામાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. તેની અસર હેઠળ જ ૨૦૧૩ પછીની સોનાનો ભાવ નવી ઊંચાઈએ પહોચ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરને પરિણામે વૈશ્વિક અર્થતંત્રની વ્યવસ્થા તિતરબિતર થઈ ગઈ છે. તેની અસર હેઠળ લોકો સોનામાં રોકાણ કરવા તરફ વળ્યા છે.

છેલ્લા દસ વર્ષમાં જર્મનીમાં મંદીનો પ્રભાવ દેખાવા માંડયો છે. તેના પરથી લાગી રહ્યું છે કે વિશ્વના દેશો મોટી મંદીની ઝપટમાં આવી રહ્યા છે. સોનામાં તેજી થવાનું બીજું કારણ આપતા જાણકારો કહે છે કે ભારત, ન્યુઝીલૅન્ડ, થાઈલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા દેશોએ વ્યાજદર ઘટાડવા માંડયા હોવાથી લોકોએ સોનામાં રોકાણ કરવાના વિકલ્પનો આશરો લેવા માંડયો છે. પરિણામે સોનામાં તેજીના મંડાણ થયા છે.

ત્રીજું, ભારતીય અર્થતંત્ર પણ નબળું પડી રહ્યું છે. તેથી સલામત રોકાણ ગણીને સોના-ચાંદીમાં નાણાં રોકાણ વધવા માંડયું છે. રિઝર્વ બૅન્કની ત્રીજી દ્વિમાસિક મોનીટરી પોલીસીમાં પણ ડિમાન્ડ ઘટી હોવાની અને મૂડીરોકાણ પણ મંદ પડયુ ંહોવાની કબૂલાત કરવામાં આવતા ભારતીય અર્થતંત્ર ધીમી ગતિએ મંદ પડી રહ્યું હોવાના નિર્દેશને સમર્થન મળ્યું છે. તેની અસર હેઠળ પણ રોકાણકારો સોના તરફ વળ્યા હોવાનું જણાઈ રહ્યું છે. ચોથું ડૉલર સામે ભારતીય રૂપિયો તૂટી રહ્યો છે.

આઠમી ઓગસ્ટના ડૉલર સામે ભારતીય રૂપિયા ૭૧.૧૭ની તળિયાની સપાટીએ પહોંચ્યો હતો. તેથી ભારતમાં સોનાના ભાવ ઊછળીને ૩૭૦૦૦થી ૩૮૦૦૦ની રેન્જમાં પહોંચી ગયા હતા. આમ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ટ્રેડવોર અને વિવિધ દેશોના નબળા પડી રહેલા અર્થતંત્રએ સોનામાં રોકાણ કરવા તરફ ઇન્વેસ્ટર્સે ધકેલ્યા છે. તેથી સોનામાં લાલચોળ તેજી જોવા મળી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x