રાષ્ટ્રીય

ઓમાન પાસે દરિયામાં ઓઈલ ટેન્કર જહાજ ડૂબ્યું, 13 ભારતીય સહિત 16 ક્રૂ મેમ્બર્સ થયા ગુમ

ઓમાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ યમન તરફ જઈ રહેલું એક ઓઈલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબી ગયું છે. ઓમાનના મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ઓઈલ ટેન્કરનું નામ પ્રેસ્ટિજ ફાલ્કન હોવાનું કહેવાય છે, જેના પર સવાર 16 ક્રૂ મેમ્બરનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. આ ઓઈલ જહાજ પર સવાર 16 ક્રૂ મેમ્બર્સમાંથી 13 ભારતીય નાગરિકો છે અને ત્રણ શ્રીલંકાના નાગરિક હોવાનું કહેવાય છે, પરંતુ તેઓ ક્યાં અને કઈ સ્થિતિમાં છે તેની કોઈ જાણકારી નથી.
ઓમાનના મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર આ ઓઈલ જહાજ પૂર્વ આફ્રિકન દેશ કોમોરોસનો ધ્વજ લઈને જઈ રહ્યુ હતું. મંગળવારે આ ઓઇલ ટેન્કર ઓમાનના મુખ્ય ઔદ્યોગિક દુકમ બંદર નજીક ડૂબી ગયું હતું અને ક્રૂ મેમ્બરનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.

જહાજ યમન તરફ જઈ રહ્યું હતું

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટેન્કર યમન તરફ જઈ રહ્યું હતું, ત્યારે તે દુકમ બંદર પાસે પલટી ગયું. ટેન્કર પલટી જવાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ તાજેતરની માહિતી અનુસાર ટેન્કરમાં સવાર લોકો વિશે કંઈ જ જાણવા મળ્યું નથી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જે ટેન્કર ડૂબી ગયું છે તે લગભગ 117 મીટર લાંબુ છે અને તેને વર્ષ 2017માં બનાવવામાં આવ્યું હતું.

માહિતી મળતાં જ અધિકારીઓએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી

મેરીટાઈમ સેફ્ટી સેન્ટરે ટ્વીટ કરીને માહિતી આપી છે કે કોમોરોસ ફ્લેગવાળું ઓઈલ ટેન્કર રાસ મદરાકાહથી 25NM દક્ષિણ પૂર્વમાં ડૂબી ગયું છે. તેની તપાસ અને રાહત બચાવ માટે જરૂરી માર્ગદર્શિકા મુજબ તપાસની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x