ગુજરાતમાં મેઘમહેર : સિઝનનો 83.12 ટકા કરતાં વધુ વરસાદ, 51 જળાશય એલર્ટ પર રખાયા
ગાંધીનગર :
રાજ્યમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે ભલે થોડો સમય માટે તકલીફ ઉભી થઇ હોય પરંતુ આ જ મેઘરાજાએ ગુજરાત પર કૃપા વરસાવી છે. મેઘરાજાની મહેર એવી છે કે ગુજરાતને આવતું આખું વર્ષ પીવાના કે સિંચાઇના પાણીની તકલીફ નહીં પડે. રાજ્યના સરદાર સરોવર સહિતના 205 જળાશયોમાં તેમની કુલ ક્ષમતાની તુલનાએ 72 ટકા જળ સંગ્રહ થયો છે. રાજ્યમાં હજુ ચોમાસુ ચાલી રહ્યું છે અને હજુ પણ વરસાદ થવાનો બાકી છે ત્યારે આ સમાચાર પ્રત્યેક ગુજરાતીને રાહતની લાગણી કરાવે તેવા છે.
ગુજરાતમાં મેઘમહેરને પગલે અત્યાર સુધીમાં સિઝનનો 83.12 ટકા કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 204 ડેમમાંથી 51 જળાશયો 100 ટકા પાણી ભરાતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તો 10 જળાશયોમાં 80 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતા એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 3 ડેમમાં 70 ટકાથી વધુ પાણી ભરાતા ચેતવણી આપવામાં આવી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદને પગલે કચ્છના 10 ને રાજકોટના 8 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. તો સુરેન્દ્રનગર, જામનગર અને દાહોદના 6 ડેમ પણ છલોછલ થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, નવસારીના બે ડેમ, ભરૂચના 3 ડેમ 100 ટકા ભરાયા છે. ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદને પગલે અહીં મોટાભાગના ડેમમાં નહિવત પાણીનો સંગ્રહ થયેલો છે.