VMC ની વેરા યોજનામાં કરદાતાઓને રૂ. 4.34 કરોડનું વળતર મળ્યું
વડોદરા મહાનગર પાલિકા દ્વારા નાગરિકોને રાહત આપવા માટે પ્રોત્સાહક વેરા વળતર ની યોજના અમલમાં મુકી છે. જેમાં મોટી સંખ્યામાં કરદાતાઓ દ્વારા ફાયદો ઉઠાવીને વેરા પેટે કરોડો રૂપિયાની ભરપાઇ કરવામાં આવી છે. અને સામે તેમના પાલિકા દ્વારા રાહત પણ આપવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે હવે માત્ર 4 દિવસ જ બચ્યા છે. 20, જુલાઇ બાદ વર્ષ 2024 – 25 ના રેગ્યૂલર વેરાબીલ આપવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.
વડોદરા મહાનગર પાલિકાની એડવાન્સ રિબેટ વળતર યોજના હાલ અમલમાં છે. ચાલુ વર્ષે 16, જુલાઇ સુધીમાં મિલકત વેરાની કુલ આવક રૂ. 107.84 કરોડ થઇ છે. આ વર્ષે મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાઓને રહેણાક મિલકત માટે 10 ટકા અને બિન રહેણાંક મિલકત માટે 5 ટકા વળતર તેમજ બંને કિસ્સાઓમાં ઓનલાઇન પેમ્ન્ટ કરનારને વધુ 1 ટકા વળતરની યોજના અમલી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓનલાઇન પેમેન્ટ થકી રૂ. 60.70 કરોડની વસુલાત થઇ છે. જેમાં કરદાતાઓને રૂ. 4.34 કરોડની રિબેટ આપવામાં આવી છે. આ યોજનાનો લાભ હવે 4 દિવસ સુધી જ લઇ શકાશે. 20, જુલાઇના રોજ આ યોજનાનો લાભ લેવા માટેનો અંતિમ દિવસ છે. ત્યાર બાદ વર્ષ 2024 – 25 ના રેગ્યૂલર વેરાબીલ આપવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, પાલિકાની પ્રોત્સાહક વળતર યોજના થકી વેરા વસુલાતનો લક્ષ્યાંકની નજીક પહોંચવામાં સરળતા રહે છે. જેના કારણે પાલિકા દ્વારા આ પ્રકારની યોજનાઓ સમયાંતરે નાગરિકો માટે અમલમાં મુકવામાં આવતી હોય છે.