કાગળ પર 90 પ્રોજેક્ટ દર્શાવી કરોડોનું કૌંભાડ…10ની ધરપકડ
નવસારી જિલ્લાના બીલીમોરા (Bilimora ) ના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનું મસમોટુ કૌંભાડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાયા બાદ પાણી પુરવઠા વિભાગના ક્લાસ વન અધિકારી, ત્રણ મહિલા અધિકારી અને 5 કોન્ટ્રાક્ટર સહિત 10 ની ધરપકડ કરાઇ છે.
નવસારી જિલ્લાના બીલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ મેળાપીપણામાં કરોડો રુપિયાનું કૌંભાડ આચર્યું હોવાનો ખુલાસો થયો છે . પાણી પુરવઠા વિભાગમાં ખોટી રીતે ટેન્ડરીંગ પ્રક્રિયા કરી આ કૌંભાડ આચરવામાં આવ્યું છે જેમાં
ક્લાસ વન અધિકારી, ત્રણ મહિલા અધિકારી અને કોન્ટ્રાક્ટર સહિત 10ની ધરપકડ કરાઇ છે.મળેલી માહિતી મુજબ કામ થયા વગરના ખોટા બીલો મુકી ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌંભાડ આચરાયું છે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પૂર્વ કાર્યપાલક ઇજનેર સહિત સાત અધિકારીઓએ માત્ર કાગળ પર 90 જેટલા પ્રોજેક્ટ બન્યા હોવાનું બતાવી સરકારને 9 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો હતો.
સીઆઇડી ક્રાઇમે આ મામલે નિવૃત્ત થયેલા પૂર્વ કાર્યપાલક ઇજનેર દલપત પટેલ તથા 4 અધિકારી અને 5 કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. આ ટોળકીએ જે બિલો મંજૂર કર્યા હતા તે સ્થળે તપાસ કરાતા 94માંથી 90 સ્થળો પર કોઇ કામ થયા ન હતા. કોન્ટ્રાક્ટર સાથે મળીને આ 90 પ્રોજેક્ટમાં 5.48 કરોડનું કૌંભાડ આચરાયું હોવાનું જણાતા તપાસ ટીમ પણ ચોંકી ઉઠી હતી.
કુલ ૧૪ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ
ટોળકીએ કેટલાક પ્રોજેક્ટમાં 2 યોજનાનો લાભ લઇ પૈસા સેરવી લીધા હતા અને 11.41 લાખનો વર્ક ઓર્ડર ઇસ્યુ કર્યો હતો. આ જ કામ રિનોવેશન અંતર્ગત વર્ક ઓર્ડર આપી સરકારમાંથી નાણાં મંજૂર કરાવ્યા હતા. આ મામલે સુરત સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચમાં પાણી પુરવઠા ના અધિકારીઓ સહિત કુલ ૧૪ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
આ મામલે પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલની સરકાર ભ્રષ્ટાચારને નહીં છાવરે અને ભ્રષ્ટાચારમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે પગલા લેવાશે. તેમણે કહ્યું કે 50 કરોડના ગ્રાન્ટની માગ કરવામાં આવી હતી જેમાંથી 16 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. માત્ર 20 અને 50% જેટલા કામ થયા હોવા છતાં તે કામના બિલની ચૂકવણી કરી દેવામાં આવી હતી.