મહિલા એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ આજે પ્રથમ મેચ રમશે ભારત
મહિલા એશિયા કપ 19 જૂલાઈથી શરૂ થશે. ઓક્ટોબરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓના સંદર્ભમાં આ ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત તેના અભિયાનની શરૂઆત શુક્રવારે પાકિસ્તાન સામેની મેચથી કરશે. હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ એશિયા કપમાં દબદબો ધરાવે છે, તેણે ચારમાંથી ત્રણ ટી-20 અને વન-ડે ફોર્મેટમાં ચારમાંથી ત્રણ એશિયા કપ જીત્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે. સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર) જેવી સ્ટાર મહિલા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવી છે. મુખ્ય ટીમના 15 ખેલાડીઓ ઉપરાંત શ્વેતા સેહરાવત, સાઇકા ઈશાક, તનુજા કંવર અને મેઘના સિંહને રિઝર્વ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે રેકોર્ડ
મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં ભારતે 20માંથી 17 મેચ જીતી છે. તેણે 2022માં ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. ભારતે T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન સામેની 14 મેચોમાં 11 જીત નોંધાવી છે.
મંધાના શાનદાર ફોર્મમાં છે
ભારત માટે સૌથી સારી બાબત એ છે કે સ્મૃતિ મંધાના શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં એક ટીમ તરીકે સારું પ્રદર્શન કર્યું છે. ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકરે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચમાં આઠ વિકેટ ઝડપી છે જ્યારે સ્પિનર રાધા યાદવ પણ સફળ રહી છે
પાકિસ્તાનની ટીમ નિદા દારની કેપ્ટનશીપમાં રમશે
પાકિસ્તાને એશિયા કપ માટે નિદા દારને કેપ્ટન તરીકે જાળવી રાખી છે પરંતુ ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ઇરમ જાવેદ, ઓમૈમા સોહેલ અને સૈયદા આરુબ શાહને આ વર્ષે પ્રથમ વખત ટીમમાં સ્થાન મળ્યું છે જ્યારે તસ્મિયા રૂબાબ ડેબ્યૂ કરશે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, સજીવન સજના, દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટિલ, ઉમા છેત્રી, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી.