લોકસભા ચૂંટણીમાં નબળા દેખાવ પછી ભાજપ દિશાવિહિન
દિલ્હીના રાજકીય નિરીક્ષકો માને છે કે ભાજપના કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન પર લોકસભાના પરિણામોએ બ્રેક મારી દીધી છે. લોકસભાની ચૂંટણીના દેખાવ બાબતે ભાજપના નેતાઓ અંદરોઅંદર એકબીજાને માથે જવાબદારી થોપી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ટોચના નેતાઓ પણ અંદરોઅંદર એકબીજાના ટાંટીયા ખેંચવામાં લાગ્યા છે અને કોંગ્રેસ સામે લડવા માટે હવે એમની પાસે કોઈ મુદ્દા રહ્યા નથી. ભાજપના પ્રવક્તાઓ પણ એ જ જૂની ઘસાયેલી રેકોર્ડ વગાડી રહ્યા છે. જમ્મુમાં વધેલા આતંકવાદી હુમલાઓ પછી પણ ભાજપના ટોચના નેતાઓએ કોઈ નિવેદન આપ્યા નથી. જે વિસ્તારમાં પેટા ચૂંટણી છે ત્યાં ભાજપના નેતાઓ જાય છે ત્યારે પણ અનામત, મુસ્લિમ તૂષ્ટીકરણ તેમ જ જવાહરલાલ નહેરૂ જેવા જૂના વિષયો પર જ કોંગ્રેસની ટીકા કરે છે, જેની હવે કોઈ કિંમત રહી નથી.
શ્રી કેદારનાથધામ દિલ્હી ટ્રસ્ટે દિલ્હીમાં કેદારનાથ મંદિર બનાવવાનો નિર્ણય લીધો ત્યારથી વિવાદ વકરી રહ્યો છે. એક તરફ આ નિર્ણયથી કોંગ્રેસ નારાજ છે ત્યારે બીજી તરફ ઉત્તરાખંડમાં મંદિરો અને તીર્થસ્થળોની દેખરેખ રાખતી સંસ્થા બદ્રીનાથ – કેદારનાથ મંદિર સમિતિએ કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ બનાવવા સામે કોર્ટમાં જવાની ધમકી આપી છે. શ્રી કેદારનાથધામ દિલ્હી ટ્રસ્ટના સ્થાપક સુરેન્દ્ર રૌટેલાએ આ બાબતે ટીપ્પણી કરી છે કે, સમિતિ ભલે કાયદાકીય પગલા લે જરૂર પડશે તો પોતે પણ કાયદાકીય લડાઈ લડવા તૈયાર છે. ટ્રસ્ટે જોકે નામમાંથી ધામ શબ્દ હટાવવાનું નક્કી કર્યું છે. એમના કહેવા પ્રમાણે કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળા મંદિરો ઇન્દોર અને મુંબઈમાં પણ છે જ. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ એમની સામે પણ પગલા લેવા જોઈએ.
આઇએએસ અધિકારી પૂજા ખેડકરનો કિસ્સો હજી શાંત થયો નથી, ત્યાં તો બિહારના વિવાદાસ્પદ આઇએએસ અધિકારી સંજીવ હંસ ચર્ચામાં આવી ગયા છે. ૪૦ લાખ રૂપિયા કરતા વધુ કિંમતની ૧૫થી વધુ લક્ઝરી ઘડિયાળો એમના ઘરેથી જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ૧ કિલો સોનાના દાગીના પણ દરોડામાં મળી આવ્યા છે. બીજા શહેરોમાં કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજો પણ એમની પાસેથી મળ્યા છે. જ્યારે એમના ઘરે દરોડો પાડવા ટીમ ગઈ ત્યારે આ અધિકારીએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. છેવટે દરોડો પાડનાર અધિકારીઓ દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા. થોડા સમય પહેલા સંજીવ હંસ પર એક મહિલાએ બળાત્કારનો આરોપ પણ મૂક્યો હતો. બહુજન સમાજ પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી લડેલા ગુલાબ યાદવ સાથે મળીને સંજીવ હંસે સામૂહિક બળાત્કાર કર્યો હોવાની વાત પણ બહાર આવી છે.
દિલ્હી પોલીસનો યુનિફોર્મ બદલાશે : ઋુતુ પ્રમાણે ફેરફાર થશે
આપણા દેશમાં દરેક રાજ્યની પોલીસનો યુનિફોર્મ અલગ અલગ હોય છે. મોટા ભાગના રાજ્યોમાં પોલીસ યુનિફોર્મનો રંગ ખાખી હોય છે. હવે દિલ્હી પોલીસનો યુનિફોર્મ બદલાઈને કારગો પેન્ટ અને ટી-શર્ટ થઈ શકે છે. દિલ્હી પોલીસની નજીકના સૂત્રોના કહેવા પ્રમાણે દિલ્હીની અલગ અલગ મોસમ પ્રમાણે પોલીસનો યુનિફોર્મ નક્કી કરવામાં આવશે. પોલીસના યુનિફોર્મનો રંગ ખાખી રહેવાની શક્યતા છે, પરંતુ ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે પોલીસ કર્મીઓને કારગો પેન્ટ અને ટી-શર્ટનો યુનિફોર્મ આપવામાં આવી શકે છે. એ જ રીતે શિયાળાની ઠંડીમાં પોલીસને ઉચ્ચસ્તરના જેકેટની સાથે ગરમ શર્ટ અને પેન્ટ પણ આપવામાં આવશે. કારગો પેન્ટનો ફાયદો એ રહેશે કે ડાયરી, મોબાઇલ ફોન અને હથિયારો રાખવા માટે ઉપયોગી બની શકે.