IAS દહિયા સસ્પેન્ડ, પ્રેમ પ્રકરણમાં પુરાવા મળતા વધુ પગલા લેવાશે
ગાંધીનગર :
IAS અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની યુવતીએ કરેલા છેતરપિંડી,લગ્નેતર સબંધો અને ધાકધમકીના કેસમાં સજ્જડ પુરાવા મળતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2010ની બેન્ચના આઇએએસ અધિકારી વિરૂદ્ધ તપાસ કરતી સમિતીએ સરકારને સોપેલા અહેવાલ અને યુપીએસસીની મંજૂરી લીધા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સરકારે દહિયાસામે શિસ્તભંગના પગલાં અને તપાસને કારણે રાજ્ય સરકારે તેમને સસ્પેન્શનમાં મુકવા આદેશ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે સામાન્ય વહીવટ વિભાગે અભ્યાસ કરીને ભલામણો મુખ્યમંત્રીને મોકલી હતી તેમાં તપાસ સમિતિએ અધિકારીને સેવામાંથી હાંકી કાઢવા જોઇએ તેવી ભલામણ કરી હતી.
તપાસ સમિતિએ પીડિતા, દહિયા સહિતના નિવેદનો લીધા હતા
તપાસ સમિતિએ દહિયા, આક્ષેપ કરનારી યુવતી લીનુ સિંઘ, પૂર્વ પત્નીના પરિવારજનો અને હાલ તેમની સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહેતી યુવતી સહિતના લોકોના નિવેદનો નોંધ્યાં હતા અને તેમાં દહિયા સામે લીનુએ કરેલાં આક્ષેપો સિદ્ધ થયાં હતાં.
દહિયા ભ્રમરવૃત્તિના હોવાનું તારણ કાઢ્યું
છુટાછેડા વગર પરણિત હોવા છતાં અન્ય સ્ત્રી સાથે સંબંધો અને ત્યારબાદ તે સ્ત્રીને તરછોડી બીજી યુવતી સાથે સંબંધોને કારણે દહિયા પોતે ભ્રમરવૃત્તિના હોય તેવું પણ સમિતિના મહિલા અધિકારીઓએ નોંધ્યું હતું. સમિતિએ લીનુ સિંઘે આપેલા તમામ દસ્તાવેજો ચકાસી તેની ખરાઇ કરી હતી અને તે સાચા સાબિત થયાં હતા. આ ઉપરાંત દહિયાએ લીનુ સિંઘને દિલ્હીમાં અને ત્રીજી યુવતીને અમદાવાદમાં અપાવેલા મકાનો પણ ભ્રષ્ટાચાર અને આવકના પ્રમાણમાં વધુ સંપત્તિનો કેસ હોવાનું તારણ પણ સમિતિએ ચકાસેલા અન્ય પાસાઓ પરથી આવ્યું હતું.