તા. ૦૧-૦૧-૨૦૨૫ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા વ્યક્તિઓ પણ મતદારયાદીમાં નામ નોંધણી કરાવી શકશે
ગાંધીનગર :
તા.૨૮-૧૧-૨૦૨૪ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૧૭-૧૧-૨૦૨૪ ,તા.૨૩-૧૧-૨૦૨૪(શનિવાર) તથા તા.૨૪-૧૧-૨૦૨૪(રવિવાર) ખાસ ઝુંબેશના દિવસના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ તા.૦૧/૦૧/૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં, ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓને માટે આ ઝુંબેશ મહત્વની રહેશે. આ ઝુંબેશ દ્વારા નાગરીકો સરળતાથી પોતાના નામની નોંધણી કરાવી શકશે.
તા.૦૧-૦૪-૨૦૨૫ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા વ્યક્તિઓ પણ મતદારયાદીમાં નામ નોંધણી માટે ફોર્મ નં.૬ ભરી શકશે, આગામી સમયમાં જ્યારે તેઓને ૧૮ વર્ષ પૂર્ણ થશે ત્યારે તેનો નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદ તેઓનું નામ મતદારયાદીમાં દાખલ કરવામાં આવશે.આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશોના દિવસોએ સવારે ૧૦:૦૦ થી ૫:૦૦ કલાક સુધી જિલ્લાનાં તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકશે તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.
આ ઉપરાંત www.voterportal.eci.gov.in અને voters.eci.gov.in વેબસાઈટ પર જઈ સરળતાથી ફોર્મ ભરી શકે છે. જેમાં તેઓએ જરૂરીયાત મુજબના સ્વયં પ્રમાણિત પુરાવા અપલોડ કરવાના રહેશે તેમ ગાંધીનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયુ છે.