ગૌતમ અદાણીનો ભ્રષ્ટ હિંદુ રાષ્ટ્રવાદ એ વિશ્વગુરુનું વિશિષ્ટ લક્ષણ છે
હજુ હમણાં જ રતન ટાટાનું અવસાન થયું ત્યારે ભારતના સામાન્ય લોકોને પણ જાણે કે પોતાનો હમદર્દ ઉદ્યોગપતિ ગયો એવો અહેસાસ થયો હતો. રતન ટાટાને વ્યક્તિગત રીતે નહિ ઓળખતા કેટલાક લોકોની આંખમાં પણ આંસુ હતાં.
એ રતન ટાટા હતા અને હવે બીજી બાજુ છે ગૌતમ અદાણી.
ગૌતમ અદાણી અત્યારે સંપત્તિની દૃષ્ટિએ ભારતના અને દુનિયાના અગ્રણી ઉદ્યોગપતિ છે. તેમની સામે અમેરિકામાં લાંચ અંગેનો કેસ થયો અને તેમની ધરપકડ માટે વોરંટ નીકળ્યું હોવાના અહેવાલ છે.
વિશ્વગુરુ બનવા થનગની રહેલા ભારતની અદ્ભૂત ઘટના છે આ. ભારતના કોઈ મોટા ગજાના ઉદ્યોગપતિ સામે અમેરિકા જેવા લોકશાહી દેશમાં લાંચ આપવાનો ફોજદારી કેસ થયો હોય અને તેમની ધરપકડ માટે વોરંટ બહાર પડ્યું હોય એવો સ્વતંત્ર ભારતનો આ પ્રથમ કિસ્સો છે.
સવાલ એ નથી કે આ કેસનું પરિણામ શું આવે છે. સવાલ એ છે કે અમેરિકામાં કાયદાનું શાસન છે, કોઈ વ્યક્તિનું નહિ; એની સાબિતી એમાંથી મળે છે. ગમે તેવી મોટી ધનવાન, વિખ્યાત કે રાજકીય વ્યક્તિ હોય, ત્યાં કાયદો કાયદાનું કામ કરે જ.
આ મુદ્દો જ લોકશાહી શાસન માટે અગત્યનો છે. વિશ્વગુરુ કાયદાના શાસનથી થવાય, ધરમના ઢોલનગારાં વગાડવાથી ના થવાય એટલું સમજવાની જરૂર છે.
સવાલ એ નથી કે ગૌતમ અદાણી કેમ આટલા સંપત્તિવાન થયા. સવાલ એ કેવી રીતે થયા એ પણ છે. એવો સવાલ ઉઠાવવાનો દરેક નાગરિકને અધિકાર છે.
ગૌતમ અદાણી સાથે સંબંધિત કંપનીઓના કહેવાતા સોદાઓ અને વ્યવહારો વિશે સંસદીય સમિતિ નીમાતી નથી, સેબી નિષ્પક્ષ તપાસ કરવા માટે તૈયાર નથી અને મોદી સરકાર એને વિશે કશું કરવા ઈચ્છતી નથી એ હકીકત છે.
ગૌતમ અદાણીની રાજકીય ભાઈબંધી જગજાહેર છે. એ કોઈ વ્યક્તિ કે પક્ષની તિજોરી તરીકે કામ કરતા હોય એવી એક છાપ ઊભી થઈ છે.
ઉદ્યોગપતિઓ અને રાજકીય પક્ષો કે નેતાઓ વચ્ચેની સાંઠગાંઠ દુનિયામાં બધે જ છે, પણ જ્યારે રાજ્ય ઉદ્યોગપતિઓને કાયદા કે નિયમો બદલીને કે પછી ગેરકાનૂની રીતે લાભ કરી આપે, અને ગ્રાહકોનાં હિતો જાય તેલ લેવા એમ વિચારીને એમના બેફામ ઇજારા ઊભા થવા દે ત્યારે તેને બદમાશ મૂડીવાદ અથવા ગઠિયાગોઠિયા મૂડીવાદ (crony capitalism) કહેવામાં આવે છે અને ગૌતમ અદાણી અને નરેન્દ્ર મોદી એનું માત્ર ભારતનું નહિ આખા વિશ્વનું એક વરવું ઉદાહરણ બની ગયા છે.
એ અર્થમાં આપણે વિશ્વગુરુ બનવા માટેની હોડ ઝડપી બનાવી દીધી છે એમ કહેવાય.
એટલું યાદ રાખવું જોઈએ કે ગૌતમ અદાણી જૈન છે, અને ભારતના બંધારણની કલમ-૨૫(૨)(b) અનુસાર જેનો હિંદુ છે.
હવે હિંદુત્વના લડવૈયાઓને પૂછવું પડે કે શું આ જ હિન્દુત્વ છે? આખી જિંદગી પગે ચાલીને અહિંસાનો સંદેશો આપતા જૈન મુનિઓ ગૌતમ અદાણીને સમજાવશે ખરા કે બજારમાં તેઓ જે ઇજારા ઊભા કરે છે એ શોષણ છે અને શોષણ એ સૂક્ષ્મ હિંસા છે?
ગૌતમ અદાણીના દાનથી ભવ્ય દેરાસરો ઊભા થાય તો આ શોષણની સૂક્ષ્મ હિંસા દૂર થઈ ગણાય કે ના ગણાય?
– હેમંતકુમાર શાહ