ગુજરાતમાં ‘હમારા શૌચાલય, હમારા સમ્માન’ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ
ગાંધીનગર :
ગાંધીનગર ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી નિમિત્તે ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને “આપણું શૌચાલય, આપણું ગૌરવ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગુજરાતમાં ‘હમારા શૌચાલય, હમારા સમ્માન’ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ વેળાએ જણાવ્યું હતું કે, ભારતના તમામ ગામડાઓ વધુમાં વધુ સ્વચ્છ બને, દરેક ગામડામાં ઘન કચરાનો યોગ્ય નિકાલ થાય, સુદ્રઢ ગટર વ્યવસ્થા હોય અને સ્વચ્છતા થકી નાગરિકોના આરોગ્યને વધુમાં વધુ ગુણવત્તાયુક્ત બનાવવાના હેતુથી દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી “હમારા શૌચાલય, હમારા સમ્માન” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતના ગામડાઓ પણ વધુમાં વધુ સ્વચ્છ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ઘન કચરાના યોગ્ય નિકાલ, ગટર વ્યવસ્થા, ગોબર ધન યોજના જેવી વિવિધ પહેલો કરવામાં આવી છે. જેના પરિણામે આજે ગુજરાતના ગામડાઓ સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બની રહ્યા છે. ગામડાઓમાં પણ આજે ઘરે ઘરે કચરો એકત્રિત કરવા માટેની ગાડીઓ પહોંચી રહી છે અને ગામડાના નાગરિકોનો પણ તેમાં યોગ્ય સહયોગ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર અને નાગરિકોના આ સહિયારા પ્રયાસોથી ગુજરાતના ગામડાઓ ભવિષ્યમાં દેશના અન્ય ગામડાઓ માટે રોલ મોડલ બનશે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સ્વચ્છ ભારત મિશન”માં પણ મહત્વનું યોગદાન આપશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં આજ તા. ૧૯ નવેમ્બરથી ‘હમારા શૌચાલય, હમારા સમ્માન’ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ આજથી આ અભિયાનનો શુભારંભ થયો છે. આગામી તા. ૧૦ ડિસેમ્બર સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં સફાઈલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજના કરવામાં આવશે.
GIDM, ગાંધીનગર ખાતે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન આપવાના નેક હેતુસર ૪ સફાઈ કર્મચારીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારની સહાયથી લોકો પોતાના ઘરમાં પોતાનું શૌચાલય બનાવી શકે તે માટે વ્યકતિગત શૌચાલયના પાંચ લાભાર્થીઓને મંજૂરી પત્ર પણ એનાયત કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ મહાનુભાવો અને નાગરિકોએ સ્વચ્છતા અંગે સમર્પિતતા દર્શાવવા માટે “સ્વચ્છતા શપથ” ગ્રહણ કર્યા હતા. સાથે જ, આ કાર્યક્રમ અંતર્ગત આયોજિત મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં નાગરિકોએ વિનામૂલ્યે પોતાનું હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ગ્રામ વિકાસ વિભાગના સચિવ શ્રી મનિષા ચંદ્રા, અધિક કમિશનર શ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે. પટેલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિતિ રહ્યા હતા.