Hyundai, Kia, Mahindra સહિતની કંપની પર પ્રદૂષણ મામલે 7,300 કરોડનો દંડ ફટકાર્યો
કેન્દ્ર સરકારે હ્યુન્ડાઈ, કિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત આઠ ઓટોમોબાઈલ કંપનીઓ પર 7,300 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નાણાવર્ષ 2022-23માં પ્રદૂષણના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. હ્યુંડાઈ પર સૌથી વધુ 2,800 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલામાં મહિન્દ્રા બીજા ક્રમે છે, જેના પર સરેરાશ 1800 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કિયા 1300 કરોડના દંડ સાથે ત્રીજા ક્રમે છે. આ સિવાય હોન્ડા, રેનો, સ્કોડા, નિસાન અને ફોર્સ મોટર્સ પર પણ પ્રદૂષણના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
એનર્જી મંત્રાલયના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE)એ નાણાવર્ષ 22-23ની શરૂઆતમાં CAFEના ધોરણોને કડક બનાવ્યા હતા. નવા નિયમો હેઠળ વાહન કંપનીઓએ 100 કિમી દીઠ માત્ર 4.78 લિટર ઇંધણ વપરાશનું લક્ષ્ય હાંસલ કરવું પડશે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન પણ 113 ગ્રામ પ્રતિ કિમી સુધી ઘટાડવું પડશે.