હિંમતનગર શહેર ભાજપ પ્રમુખનું પદ ભારે ચર્ચામાં
સાબરકાંઠા જિલ્લામાં ભાજપ સંગઠન દ્વારા નવુ સંગઠન બનાવવા માટેની ગતિવિધિઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સેન્સ પ્રક્રિયા આ વખતે એટ્લે ચર્ચામાં છે કારણ કે આ વખતે હિંમતનગર શહેરમાં મંડલ પ્રમુખ બનવા માટે સ્નાતકનો અભ્યાસ કરતા એક શિક્ષિત કિન્નરે પણ ઉમેદવારી નોંધાવી છે. સોનલ દે એક કિલોથી વધુ સોનાના ઘરેણા પહેરતા હોવાથી તેઓ સોનાવાળા માતાજીના નામથી પણ જાણીતા છે. તેમના જણાવ્યા અનુસાર તેઓ શિક્ષિત પણ છે. આ સાથે જ સોનલ દેનું કહેવું છે કે ચૂંટણી પંચે પણ થર્ડ જેન્ડરને માન્યતા આપી હોવાથી મારી રાજકારણમાં રહી લોકોની સેવા કરવાની ઇચ્છા છે. હિંમતનગરના કિન્નરે શહેર પ્રમુખ માટે કરેલી દાવેદારી લોકોમાં ચર્ચાની એરણે ચઢી છે. એટલું જ નહી પણ સોનલ દે અત્યારે લોકસંપર્ક વધુ ધરાવતા હોવાને કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાઓથી જાણકાર છે. સોનલ દે અત્યારે સ્નાતક બનવા માટે અભ્યાસ કરી રહ્યા છે. તેમના માનવા મુજબ તેઓ રાજકારણમાં રહીને પોતાનાથી બનતી સેવા કરી નાગરિકોની લોકચાહના મેળવવાની અપેક્ષા રાખે છે.