પૂર્વ PM ડો.મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિત નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પીએમ મોદી, રાહુલ ગાંધી, ઓમ બિરલા સહિતે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ :
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનાં નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારત પોતાનાં સૌથી વધુ પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડૉ. મનમોહન સિંહજીનાં નિધન પર શોક વ્યક્ત કરે છે. સાધારણ પૃષ્ઠભૂમિમાંથી બહાર આવીને, તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી બન્યા. તેમણે નાણાં મંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દાઓ પર કાર્ય કર્યું અને વર્ષોથી આપણી આર્થિક નીતિ પર તેમની મજબૂત છાપ છોડી હતી. સંસદમાં તેમના હસ્તક્ષેપો પણ વ્યવહારિક હતા. આપણા વડા પ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે ડો.મનમોહનસિંહજી અને હું તે સમયે નિયમિત વાતચીત કરતા હતા જ્યારે તે પ્રધાનમંત્રી અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. અમે શાસનને લગતા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરતા હતા. તેમની બુદ્ધિમતા અને નમ્રતા હંમેશા જોવા મળતી હતી. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ ડૉ. મનમોહન સિંહજીના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.
રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે મનમોહન સિંહજીએ અસીમ બુદ્ધિમતા અને પ્રામાણિકતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઉંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. શ્રીમતી કૌર અને તેમના પરિવારને મારી હાર્દિક સહાનુભૂતિ. મેં એક માર્ગદર્શક અને મેન્ટોર ગુમાવ્યા છે. આપણામાંથી લાખો લોકો જે તેમના પ્રશંસક હતા, તેઓ તેમને ખૂબ ગર્વથી યાદ કરશે.
લોકસભા સ્પીકર ઓમ બિરલા
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ટ્વિટ કરીને લખ્યું કે દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન ખૂબ જ દુખદ છે. તે એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને પ્રબુદ્ધ રાજનેતા હોવાની સાથે તેમના સૌમ્ય અને સરળ વર્તન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમણે એક સક્ષમ વહીવટકર્તા, નાણાં મંત્રી અને વડા પ્રધાન તરીકે દાયકાઓ સુધી દેશની સેવા કરી હતી.
સીએમ યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડો.મનમોહન સિંહનું નિધન ખૂબ જ દુઃખદ અને ભારતીય રાજકારણ માટે અપૂરણીય ક્ષતિ છે. નાણામંત્રી અને વડાપ્રધાન તરીકે તેમણે દેશના શાસન-પ્રશાસનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને મુક્તિ આપે અને તેમના શોકગ્રસ્ત પરિવાર અને સમર્થકોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
અરવિંદ કેજરીવાલ
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનું નિધન એ દેશ માટે અપૂરણિય ક્ષતિ છે. તેમની બુદ્ધિમતા અને સાદગીના ગુણોને શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. ભગવાન તેમના પૂણ્ય આત્માને તેમના શ્રીચરણોમાં સ્થાન આપે. તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે મારી સંવેદના.