કલેકટર ગાંધીનગરે અંબોડ ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમની મુલાકાત કરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી તેમજ ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય અમિતભાઈ શાહના હસ્તે તા.૧૫-જાન્યુઆરીના રોજ અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાને મળવા જઈ રહી છે, ત્યારે અંબોડ ખાતે બેરેજના નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે, મિની પાવાગઢ તરીકે વિકસેલા અંબોડ ખાતે આવેલાં મહાકાળી માતાજીના પૌરાણિક મંદિરની 600 મી. ઉપરવાસમાં આ બેરેજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ખાતમુહુર્ત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી આવી રહ્યા છે, અને તેઓ અંબોડ ખાતે સભા સંબોધન પણ કરશે.ત્યારે તેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે તંત્ર ખડે પગે સજ્જ છે. જેના ભાગરૂપે તા.૧૧-જાન્યુઆરીના રોજ ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે. દવે દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત કરી પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને કોઈપણ રીતે કાર્યક્રમમાં કોઈ જ ક્ષતિ ન રહે તે અંગે સૂચન કરી, અધિકારીઓને તેમણે પ્રોટોકોલ થી માંડી કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક નાગરિકની સુરક્ષા તથા સલામતીના દરેક પાસાનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે તે અંગે પણ અનુરોધ કર્યો હતો.